મણિનગર AMTS બસ સ્ટેન્ડ પાસે નાસ્તો કર્યા બાદ વેપારીએ બે શખ્સો પાસે રૂપિયા માંગતા ના પાડીને ઝઘડો કર્યો હતો.


બાદમાં અન્ય શખ્સોનો ફોન કરીને બોલાવીને એક રિક્ષામાં શખ્સોએ આવીને વેપારી સહિતના ઉપર રિક્ષા ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહિ ચાર શખ્સોએ ભેગા થઈને વેપારી અને તેના મિત્રને તીક્ષણ હથિયારના ઘા ઝીંકીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરીને નાસી છુટયા હતા. આ અંગે મણિનગર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ વાઇરલ થયા છે. ખોખરામાં રહેતો 21 વર્ષીય દ્રષ્ટાંત મોદી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મણિનગર AMTSના બસ સ્ટેન્ડ પાસે તેનો મિત્ર નારણજી પરમાર ઈડલી વડાની લારી લઈને ઉભો રહે છે તેના ત્યાં નાસ્તો કરવા માટે ગયો હતો.

ત્યારે લારી પર બે શખ્સો આવ્યા હતા અને નાસ્તો કર્યા બાદ ઉભા થઈને ચલાવા લાગતા વેપારી અભયસિંહે બંને યુવકો પાસે નાસ્તો કર્યો તેના રૂપિયા માંગતા આપવાની ના પાડીને બંને શખ્સો વેપારીને બિભત્સ ગાળો બોલી ઝગડા કરવા લાગ્યા હતા. ત્યારબાદ બંને શખ્સોએ કોઈને ફોન કરીને બોલાવતા એકટીવા પર બે શખ્સો આવ્યા હતા. બાદમાં ચારેય ભેગા મળીને લારી પર કામ કરતા કારીગરને માર મારવા લાગ્યા હતા. જેથી દ્રષ્ટાંત અને નારણજી તેમજ અભયસિંહ વચ્ચે પડતા તેમને પણ પાઇપોથી માર માર્યો હતો. આટલું જ નહિલાકડી, પાઇપો અને પથ્થરથી પણ હુમલો કર્યો હતો. ઉપરાંત તીક્ષણ હથિયાર વડે હુમલો કરીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરીને નાસી છુટયા હતા. જ્યારે ત્રણેય ઇજાગ્રસ્તને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. આ અંગે દ્રષ્ટાંતે અજાણ્યા શખ્સો સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: