અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં મેલડીનગર વિસ્તારમાં રહેતા અને કાર એસરીઝનો વ્યવસાય કરતા વ્યક્તિને તાંત્રિક વિદ્યા દ્વારા તેના ઘરમાં પૂર્વજોનું દોઢ કિલો સોનું ધબરાયેલું છે.જે કાઢી આપવાની લાલચ વિરમગામના વસીમ લાવરા નામના વ્યક્તિએ વર્ષ 2025ના નવેમ્બર માસમા આપી વિશ્વાસમાં લઇને બાપુ ઉર્ફે યુનુશમીયા ભીખામીયા ચૌહાણ અને આચર અલીભાઈ સીધી સાથે ઓળખાણ કરાવી હતી. ત્યારબાદ રૂ. 31 લાખની રકમ સમયાંતરે લઈને વિધિ શરૂ કરવામાં આવી હતી. બાદ ઘરના રૂમમાં ખાડો ખોદી પોટલામાં બીજી તેટલી જ રોકડ રૂપીયાનું પોટલું બંધાવી રૂમમાં મુકાવ્યું હતુ. જે રોકડ રૂપીયાનું પોટલુ બદલીને નાના છોકરાની રમવાની ખોટી નોટોવાળુ પોટલુ મુકી જયાં સુધી કહુ નહી ત્યાં સુધી રૂમ ખોલશો નહી. જો રૂમ ખોલશો તો ભગવાનની અપકૃપા ઉતરશે અને તમારા ઘરમાં કોઇનું મરણ થઇ જશે તેવો ભય બતાવી કુલ રૂ. 62 લાખની છેતરપિંડી થયાની વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકમાં વસીમ લાવરા રહેવાસી આદામીયાનો ટેકરો વિરમગામ, બાપુ ઉફે યુનુશમીયા ભીખામીયા ચૌહાણ રહેવાસી ગીલોસણ જિ. મહેસાણા અને આચાર અલીભાઈ સીધી રહે. મહેસાણા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વસીમ લાવરાને ઝડપી પાડી તપાસ શરૂ કરી છે. વધુમા જાણવા મળ્યા મુજબ તાંત્રીક યુનુસખાન ઉર્ફે બાપુ ચૌહાણ નામનો વ્યક્તિ લાલચમાં આવેલા માણસને રૂમમાં બેસાડી અગરબત્તી સળગાવી માથા ઉપર ફેરવતો. પછી બે કોરા કાગળો ઉપર અગરબત્તી ફેરવી અને તે કાગળો ઉપર કોરુ કંકુ ફેરવી તે કાગળો ઉપર તે વ્યક્તિનું નામ તેમજ રકમ લખીને બતાવયા બાદ ભોગ બનનારની કુળદેવીની રજા લઇ રૂમાલ પાથરી તેના ઉપર દાણા નાખીને વેણ વધાવો આપે ત્યારબાદ પાણીના ભરેલા ઘડામાં હાથ નખાવી તેમાં કંઇ છે કે કેમનું તરકટ કરી યુનુસ બાપુ ઘડામાં પાંચસો રૂપીયાની નોટ મુકાવી થોડીવાર પછી તાંત્રિક બાપુ પોતાના ધર્મના દેવના નામ લઇ વીધી કરી પાણીના ઘડામાંથી વારાફરતી એક એક ભારતીય બનાવટની નોટો કાઢી ભોગ બનનાર સમક્ષ મુકેલ. ત્યારબાદ આ તાંત્રિક યુનુસખાન ભોગ બનનાર માણસને વિશ્વાસમાં લઇ એક દિવસ પુરતા રોકડા રૂપીયા આ રૂમમાં મુકવા પડશે. તેના બદલામાં આ રૂમમાંથી તમને કરોડો રૂપીયા કરી આપશે તેમ જણાવી ભોગ બનનાર માણસો પાસે રૂપીયા મુકાવી તે રોકડા રૂપીયા આ તાંત્રિક યુનુસખાન લઈ જઈને છેતરપિંડી કરતા હોવાનુ પોલીસ દ્વારા જાણવા મળ્યુ છે. પોલીસે છેતરપિંડી કરનાર બીજા બે વ્યક્તિઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અને અન્ય કોઈ સાથે પણ આવી છેતરપિંડી થઈ હોય તો તુરત જ વિરમગામ ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરવા વધુમાં અનુરોધ કર્યો છે. વિરમગામના રહેવાસી સાથે છેતરપિંડી કરનારા શખ્સોમાં વસીમ લાવરા(રહે. આદામીયાનો ટેકરો, વિરમગામ), બાપુ ઉફે યુનુશમીયા ભીખામીયા ચૌહાણ(રહે. ગીલોસણ ગામ, જિ. મહેસાણા) તેમજ આચાર અલીભાઈ સીધી(રહે. મહેસાણા)નો સમાવેશ થય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો