પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા રખિયાલ ખાતેના શ્રી મેલડી માતાજીના મંદિર દ્વારા એક અનોખો અને સેવાયજ્ઞ યોજાયો હતો. બહેનો પ્રત્યે સ્નેહ અને સન્માન વ્યક્ત કરવાના આશયથી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હજારો સ્થાનિક અને જરૂરિયાતમંદ બહેનોને નિઃશુલ્ક સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે પર્વની ઉજવણી માત્ર ધાર્મિક વિધિઓ પૂરતી સીમિત ન રાખતાં, સમાજના દરેક વર્ગની મહિલાઓ તહેવારનો આનંદ માણી શકે તે હેતુથી આ વિતરણ યોજાયું હતું. વહેલી સવારથી જ રખિયાલ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરે પહોંચી હતી. સાડી મેળવીને બહેનોના મુખ પર ખુશીની લહેર જોવા મળી હતી.

ગ્રાઉન્ડ પર ભીડને નિયંત્રિત કરવા અને દરેક બહેનને સરળતાથી સાડી મળી રહે તે માટે સ્વયંસેવકો અને મંદિર સમિતિ દ્વારા લાઇન બદ્ધ અને સુસજ્જ વ્યવસ્થા કરવામાં આવી હતી.