સાબરમતીના કિનારે ધબકતું આપણું અમદાવાદ આજે 615 વર્ષનું થયું છે. અનેક ચડતી-પડતી અને કુદરતી આફતો સામે અડીખમ રહેલા આ શહેરનો સ્થાપના દિવસ દર વર્ષની જેમ પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો છે.


 માણેકબુર્જ પર ધજા રોહણની પરંપરા

ઇતિહાસ મુજબ, 26 ફેબ્રુઆરી 1411 ના રોજ સુલતાન અહમદશાહે એલિસબ્રિજ પાસે આવેલા માણેકબુર્જ ખાતે શહેરની સ્થાપના કરી હતી. એવી માન્યતા છે કે સંત માણેકનાથજીના આશીર્વાદથી જ બાદશાહનું આ શહેર વસાવવાનું સપનું સાકાર થયું હતું. આજે પણ માણેકનાથજીના વંશજો દ્વારા માણેકબુર્જની ધજા બદલવાની પવિત્ર પરંપરા જાળવી રાખવામાં આવી છે.

ભદ્રના કિલ્લાનો ભવ્ય ઇતિહાસ

સુલતાન અહમદશાહે પોતાની અને પરિવારની સલામતી માટે આલિશાન ભદ્રનો કિલ્લો બનાવ્યો હતો. પાટણના કિલ્લાને પણ 'ભદ્ર' કહેવાતો હોવાથી બાદશાહે આ નામ પસંદ કર્યું હોવાનું મનાય છે. 1411માં નિર્મિત આ કિલ્લામાં એક સમયે 12 દરવાજા અને 189 બૂરજો હતા. સમય જતાં મરાઠા અને પેશ્વા શાસન દરમિયાન અહીં અનેક ફેરફારો થયા, છતાં આજે પણ આ કિલ્લો અમદાવાદની આન, બાન અને શાનનું પ્રતીક છે.

 ધૂળિયાનગર' થી વર્લ્ડ હેરિટેજ સિટી

ક્યારેક ધૂળિયાનગર તરીકે ઓળખાતું આ શહેર આજે સપનાની ઉડાનનું ફલક બન્યું છે. યુનેસ્કો દ્વારા ભારતનું પ્રથમ 'વર્લ્ડ હેરિટેજ સિટી' જાહેર કરાયેલું અમદાવાદ તેની પોળ સંસ્કૃતિ, સ્થાપત્ય અને સાબરમતી રિવરફ્રન્ટ જેવા આધુનિક વિકાસ માટે જાણીતું છે. આજે ભદ્ર ફોર્ટની આસપાસના વિસ્તારને વધુ વિકસિત કરીને શહેરના વારસાને જાળવી રાખવા પ્રયાસો થઈ રહ્યા છે.
આ પણ વાંચો: Rajkot: મોના થીબાએ 'વેશ્યાવૃતિ'ને સમાજ સેવા ગણાવતા વિવાદ સળગ્યો, ફિલ્મના પ્રમોશન વચ્ચે હલકી પ્રસિદ્ધી !


  • Follow us on: