બોપલ, ઘુમામાં 3 દિવસ બાદ પણ વરસાદી પાણીનો નિકાલ ન થતાં ગંદા પાણીમાં સ્થાનિક લોકોને જીવવા મજબૂર બનવુ પડયુ છે. શેલા,મુમતપુરા સહિતના વિસ્તારોમાં કરોડોના બંગ્લોઝમાં પાણી ભરાતા કોર્પોરેશન તાત્કાલિક પંમ્પીંગ પંપ લઇને ત્યાંથી પાણીનો નિકાલ કરાવ્યો હતો. પરંતુ 3 દિવસથી ઘુમા સામુહિક આરોગ્ય કેન્દ્ર પાણીમાં ગરકાવ હોવા છતાં કોર્પોરેશન અજાણ છે. ઘુમા સામુહિક આરોગ્ય કેન્દ્ર પાણીમાં ગરકાવ થઇ ગયુ છે પરંતુ કોર્પોરેશનની ત્યાંથી પણ પાણીનો નિકાલ કરવાની ફૂરસત મળી નથી. જો, મેડિકલ ઇમરજન્સી સર્જાય તો ઘુમા આરોગ્ય કેન્દ્રમાં કેવી રીતે તબિબો સારવાર કરશે તેવો પણ પ્રશ્ન સ્થાનિકો કરી રહ્યાં છે શેલા, મુમતપુરામાં કરોડોના બંગ્લોઝની સ્કીમો આવેલી છે ત્યાં પણ પાણી ભરાયા હતા. જેના પગલે કોર્પોરેશનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચીને પંમ્પીંગ પંપ મૂકીને પાણી ત્યાંથી ખાલી કરાવવા મહેનત કરી હતી. પરંતુ બોપલ, ઘુમા જેવા વિસ્તારોમાં સામાન્ય અને ગરીબ પરિવારજનો રહેતા હોવાથી કોર્પોરેશનની તેમની પરવા જ કરી જ નથીનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે. 48 કલાક વિતી ગયા છતાંય કોર્પોરેશન હજુ સુધી જરુરિયાતવાળા વિસ્તારોમાં પહોચીને પાણીનો નિકાલ કરાવી શક્યુ નથી.
