ધંધૂકા : ધંધૂકા તાલુકામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગલસાણા ગામે 'પ્રાકૃતિક ખેતી મહામંથન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધંધૂકા તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી, હાલોલના વાઇસ ચાન્સેલર ડૉ. સી. કે. ટીમબડિયા સહિત કૃષિ વિભાગના અધિકારીઓ, નિષ્ણાતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ધંધુકા APMCના ચેરમેન ચેતનસિંહ ચાવડા,વાઇસ ચેરમેન પૃથ્વીરાજસિંહ ચુડાસમા,એપીએમસીના ડિરેક્ટર્સ, જિલ્લા ભાજપ અગ્રણી પ્રદ્યુમ્નસિંહ ચુડાસમા ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ, ઓછા ખર્ચે ખેતી, જમીનની ફ્ળદ્રુપતા જાળવવા, દેશી ગાય આધારિત ખેતી તેમજ પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ કરી તેમના અનુભવો અને પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારી વધુમાં વધુ ખેડૂતોને આ પદ્ધતિ સાથે જોડાવા માટેપ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગલસાણા ગામે યોજાયેલા આ પ્રાકૃતિક ખેતી મહામંથનમાં ધંધૂકા-ધોલેરા વિસ્તારના ખેડૂતો, કૃષિ અધિકારીઓ, ગ્રામ સેવકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ વધારવા અને ટકાઉ તથા ખર્ચ અસરકારક ખેતીને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો