ઉત્તર ઝોનમાં આવેલા બાપુનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડ, બ્લોક નંબર 317 પાસે છેલ્લા એક મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, વારંવાર રજૂઆતો કરવા અને ઓનલાઈન ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


છેલ્લા એક મહિનાથી વારંવાર રસ્તાઓ પર ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. તેમજ ભરાયેલા ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો ફેલાવવાની પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત બ્લોક 317 પાસે પાણી ભરાઈ રહેતા વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને ઘરની બહાર નીકળવામાં પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

સ્થાનિક રહીશોનું કહેવું છે કે, અમે છેલ્લા એક મહિનાથી આ નરકાગારમાં જીવી રહ્યા છીએ. કોર્પોરેશનમાં અનેકવાર ફરિયાદ કરી હોવા છતાં માત્ર આશ્વાસન જ મળે છે. જો વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરીશું. જનતાને હજુ પણ આ ગંદકીમાં જ દિવસો પસાર કરવા પડશે. આ માટે અધિકારી કે ચૂંટાયેલા પ્રતિનિધ પણ ધ્યાન ન આપી રહ્યા હોવાની સ્થાનિકોની રજૂઆત રહેલી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: