ગુજરાતના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરથી થતી ટોલની વસૂલાત કૂદકે ને ભૂસકે વધીને દૈનિક રૂ. 17.64 કરોડે પહોંચી ગઈ છે, પરંતુ આ જંગી આવક પાછળનું સૌથી મોટું ચાલકબળ રાજ્યનું ઔદ્યોગિક પરિવહન અને માલસામાનની હેરફેર હોવાનું આંકડાકીય વિશ્લેષણમાં બહાર આવ્યું છે. રાજ્યના 74 ટોલ પ્લાઝા પર માત્ર ઓક્ટોબર માસમાં ફાસ્ટેગ મારફ્તે રૂ. 546.99 કરોડની ટોલ આવક નોંધાઈ હતી. આ સમયગાળામાં વિવિધ શ્રોણીનાં કુલ 2,36,47,967 વાહનો (દૈનિક સરેરાશ 7.62 લાખથી વધુ) પસાર થયાં હતાં. ચોંકાવનારી બાબત એ છે કે કુલ ટોલ આવકમાં 84.5 ટકા હિસ્સો (રૂ. 461.85 કરોડ) માત્ર ભારે અને વ્યાવસાયિક વાહનો (બસ-ટ્રક, ત્રણ એક્સલ અને ચાર થી છ એક્સલ)માંથી આવ્યો છે, જ્યારે સામાન્ય કાર-જીપનો હિસ્સો માત્ર 11.9 ટકા (રૂ. 65.34 કરોડ) જ રહ્યો છે. ભારે વાહનોમાં પણ ખાસ કરીને ચાર થી છ એક્સલ ધરાવતાં મોટાં કન્ટેનર અને ટ્રકોની શ્રોણીમાંથી એકલા રૂ. 325.95 કરોડની આવક નોંધાઈ હતી, જે કુલ આવકના આશરે 59.6 ટકા જેટલી છે. એક તરફ્ રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ટોલ વસૂલાત 74.4 ટકા વધીને રૂ. 6,352 કરોડને પાર પહોંચી ગઈ છે અને વાહનચાલકોના ખિસ્સા પર ટોલનું ભારણ સતત વધી રહ્યું છે, ત્યારે આ આંકડા સ્પષ્ટ કરે છે કે મુંબઈ-દિલ્હી ઔદ્યોગિક કોરિડોર સહિત ગુજરાતના હાઇવે પર માલસામાનની અવરજવર કેટલી તીવ્ર બની છે. ટોલ પ્લાઝાવાર આવક અને વાહનોની સંખ્યાની સરખામણી પણ રસપ્રદ ચિત્ર રજૂ કરે છે. સુરત વિસ્તારના ભગવાડા ટોલ પ્લાઝાએ રૂ. 36.60 કરોડની આવક સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ત્યારબાદ ગોધરા વિસ્તારના એલ એન્ડ ટી વડોદરા (ભરથાણા) ટોલ પ્લાઝાએ રૂ. 30.70 કરોડ અને અમદાવાદ વિસ્તારના વાસદ ટોલ પ્લાઝાએ રૂ. 30.14 કરોડની આવક નોંધાવી છે. જોકે, વાહનોની કુલ સંખ્યાની દૃષ્ટિએ અમદાવાદ-વડોદરા વચ્ચેનો વાસદ ટોલ પ્લાઝા 11.29 લાખ વાહનો સાથે મોખરે રહ્યો છે, પરંતુ અહીં કાર-જીપ જેવાં નાનાં વાહનોની અવરજવર વધુ હોવાથી આવકમાં તે ત્રીજા ક્રમે છે. જ્યારે ભગવાડા ખાતે 11.13 લાખ વાહનો પસાર થયાં હોવા છતાં ભારે કોમર્શિયલ વાહનોનું પ્રમાણ વધુ હોવાથી તે આવકમાં પ્રથમ રહ્યું છે. આ ઉપરાંત ચોર્યાસી ટોલ પ્લાઝા ખાતે 10.18 લાખ વાહનો પસાર થયાં હતાં. કચ્છના બંદરો તરફ્ના ઔદ્યોગિક ટ્રાફ્કિને કારણે સમખિયાળી ખાતે રૂ. 26.12 કરોડ અને સુરજબારી ખાતે રૂ. 22.37 કરોડની આવક નોંધાઈ હતી. આ તમામ આંકડા માત્ર ઇલેક્ટ્રોનિક ટોલ વસૂલાત એટલે કે ફાસ્ટેગ આધારિત છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો