અમદાવાદ શહેરમાં રવિવારે દિવાળીના પાવન પર્વની ભવ્ય અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ શહેરનાં ઘરોમાં સાફ્સફાઈ તથા પૂજાનો ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે સાંજ પડતાં જ સમગ્ર શહેર દીવડાં તેમજ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠયું હતું. બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકોએ સાથે મળીને તહેવારની ખુશીઓ વ્યક્ત કરી હતી. દિવાળીના શુભ દિવસે શહેરમાં શ્રદ્ધાપૂર્વક લક્ષ્મીપૂજન કરવામાં આવ્યું હતું. વેપારીઓએ પોતાની દુકાનો અને વ્યાપારિક સંકુલોમાં વિધિવત્ ચોપડા પૂજન સંપન્ન કરીને નવા વર્ષના વેપારની સફ્ળતા માટે પ્રાર્થના કરી હતી. લક્ષ્મીપૂજન બાદ પરિવારોમાં પારસ્પરિક સ્નેહ સાથે મીઠાઈ અને ફરસાણની આપ-લે કરવામાં આવી હતી. બાળકો નવાં કપડાં પરિધાન કરીને પરિવારના સભ્યો સાથે ઉત્સાહભેર જોડાયાં હતાં. વિવિધ રહેણાક સોસાયટીઓમાં દીવડાં અને રંગબેરંગી કલાત્મક રંગોળીઓ સજાવીને સૌએ એકબીજાને તહેવારની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી આનંદ વ્યક્ત કર્યો હતો. મંદિર પરિસરોમાં પણ દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. બીજી તરફ્ છેલ્લી ઘડીની ખરીદી કરવા નીકળેલા લોકોના કારણે બજારો અને મુખ્ય માર્ગો પર ભારે ભીડ સર્જાઈ હતી. શહેરના રાયપુર, દિલ્હી દરવાજા, લાલદરવાજા, બાપુનગર ભીડભંજન તેમજ એસ.પી. રિંગ રોડ સહિતના તમામ મુખ્ય રસ્તાઓ પર દિવસ દરમિયાન ચક્કાજામની ગંભીર સ્થિતિ જોવા મળી હતી. પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં મોલ, શોપિંગ સેન્ટરો અને સોસાયટીઓમાં વિશેષ ઝાકમઝોળ જોવા મળી હતી. સાંજના સમયે પરિવારો બહાર નીકળતાં ટ્રાફ્કિની ગતિ વધુ ધીમી પડી હતી. શહેરીજનોએ ફ્ટાકડાની આતશબાજી કરીને ઉત્સવનો આનંદ માણ્યો હતો. જોકે, અવાજ અને પ્રદૂષણની ચિંતાને ધ્યાને રાખી અનેક પરિવારોએ મર્યાદિત ફ્ટાકડા ફોડીને પર્યાવરણને અનુકૂળ દિવાળી ઉજવવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો. આ રીતે સમગ્ર અમદાવાદમાં પરિવાર, પરંપરા અને ખુશીઓનો અનોખો સંગમ રચાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો