ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પૂર્વ અમદાવાદમાં આવેલી જવાહરનગર અને ઇન્દિરાનગર સોસાયટીના જોઈન્ટ રી-ડેવલપમેન્ટ મામલે ચાલી રહેલી સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે હાઉસિંગ બોર્ડના વહીવટ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. બંને સોસાયટીના કુલ 348 સભ્યો વતી વકીલે રજૂઆત કરી હતી કે, હાઉસિંગ બોર્ડની પોતાની રી-ડેવલપમેન્ટ પોલિસી મુજબ 75 ટકા સભાસદોની સંમતિ જરૂરી હોવા છતાં રહીશો અને એસોસિએશનની મંજૂરી વગર બંને અલગ સોસાયટીઓને મર્જ કરીને જોઈન્ટ ટેન્ડર બહાર પાડી દેવાયું છે. જેની સામે હાઈકોર્ટે વેધક પ્રશ્ન કર્યો છે કે, ગુજરાત હાઉસિંગ બોર્ડે 75 ટકા સંમતિ વિના રી-ડેવલપમેન્ટનું ટેન્ડર કઈ રીતે બહાર પાડયું? સ્ટેટ એન્ટિટી તરીકે બોર્ડની કામગીરી પારદર્શક હોવી જોઈએ, રહીશોને તકલીફ્ પડશે તો ચલાવી લેવાશે નહીં. આ મામલે અદાલતે હાઉસિંગ બોર્ડના વકીલને આકરા પ્રશ્નો પૂછતા જણાવ્યું હતું કે, પ્રાઇવેટ સ્કીમોમાં નિયમોનું પાલન થતું હોય તો એક સ્ટેટ એન્ટિટી તરીકે હાઉસિંગ બોર્ડની કામગીરી વધુ પારદર્શક હોવી જોઈએ. જ્યાં સુધી સભ્યોની સંમતિ કે એગ્રીમેન્ટ ન થાય ત્યાં સુધી ડેવલપર સોસાયટીમાં કેવી રીતે પ્રવેશ કરી શકે? હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે આગામી સુનાવણીમાં બોર્ડે પૂરી પ્રક્રિયા સ્પષ્ટ કરવી અને કેસનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી રહીશોને કોઈ તકલીફ્ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું.
