શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મહત્વના ઔદ્યોગિક એકમ એવા ઓઢવ GIDC ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં હાલ પ્રાથમિક સુવિધાઓના અભાવે ઉદ્યોગકારો અને સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વિસ્તારમાં આવેલા મેટલ્સના કારખાનાના માલિકો તેમજ આસપાસના રહીશો દ્વારા તંત્ર સમક્ષ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે, સમગ્ર વિસ્તારમાં રોડ-રસ્તા અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે અને ગટરના પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. સ્થાનિકો અને કારખાનેદારોનું કહેવું છે કે ગટર લાઈનો ઉભરાવાને કારણે અને ગંદકીનો યોગ્ય નિકાલ ન થવાથી રોડ-રસ્તા પર દૂષિત અને કેમિકલયુક્ત પાણી આડેધડ છોડવામાં આવી રહ્યું છે. રસ્તા પર સતત ભરાઈ રહેતા આ ઝેરી પાણીને કારણે ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકો અને રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. વાહનચાલકો પણ બિસ્માર રસ્તા અને ખાડાઓમાં ભરાયેલા પાણીને કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
મહત્ત્વનું છે કે, ઔદ્યોગિક વિસ્તારની આસપાસ આવેલા રહેણાંક વિસ્તારોમાં પણ આ સમસ્યાની સીધી અસર જોવા મળી રહી છે. ઠેર-ઠેર ભરાયેલા ગંદા અને કેમિકલયુક્ત પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ અસહ્ય હદે વધી ગયો છે. આ વિસ્તારમાં દુર્ગંધ અને ગંદકીના કારણે સ્થાનિક રહીશોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યાપી છે. આ ગંભીર સમસ્યાઓથી કંટાળીને મેટલ્સના કારખાના ધરાવતા ઉદ્યોગકારો અને સ્થાનિક નાગરિકોએ તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે. લોકોની માંગ છે કે, રોડ-રસ્તા પર છોડવામાં આવતા દૂષિત અને કેમિકલયુક્ત પાણીના નિકાલની તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, ગટર લાઈનોની સફાઈ કરાવી ગંદકી દૂર કરવામાં આવે તેમજ તૂટી ગયેલા બિસ્માર રસ્તાઓનું સત્વરે સમારકામ હાથ ધરવામાં આવે. જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો સ્થાનિકોમાં રોષ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે
