દસ્ક્રોઈ તાલુકાના ભોઈપુરા ગામે રેવન્યુ વિભાગના ઓનલાઈન નકશામાં તળાવ તરીકે દર્શાવાયેલા સ્થળે જ ગ્રામ પંચાયતનું મકાન ઉભું હોવાના આક્ષેપથી ગંભીર સવાલો ઊભા થયા છે. ગોચરની સરકારી જમીનમાંથી માટી ખોદી લાખો રૂપિયાની માટી બારોબાર વેચી, બાદમાં ખાડાવાળી જગ્યાને મનરેગાના તળાવ તરીકે દર્શાવી સરકારી નાણાંની ગેરરીતિ કરાઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે.આ અંગે ઉચ્ચકક્ષાએ કરાયેલી રજૂઆતમાં આક્ષેપ મુજબ મૂળ સર્વે નંબર 425ની જમીન પર તળાવ ઊંડું કરવાના નામે વર્ષ 2017-18ના સમયગાળા દરમિયાન મનરેગા હેઠળ કામગીરી દર્શાવવામાં આવી છે, પરંતુ સ્થળ પર ભોઈપુરા ગ્રામપંચાયતનું મકાન ઉભું છે. બીજી તરફ્ ગોચરની જમીનમાંથી મોટા પાયે માટી ખોદી વેચાણ કરાયા બાદ પડેલા ખાડાઓને જ તળાવ ઊંડું કરવાની કામગીરી તરીકે દર્શાવાયા હોવાનો ગંભીર આરોપ છે. તેમજ આશરે 70 સ્થાનિકોના જોબકાર્ડ બનાવી તેમના ખાતામાં મનરેગાની રકમ જમા કરાવ્યા બાદ મોટાભાગની રકમ પરત લેવાઈ અને માત્ર 10 ટકા રકમ લાભાર્થીઓને અપાઈ હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આમાં 90 ટકા સુધી દિવ્યાંગ વ્યક્તિઓને પણ લાભાર્થી તરીકે દર્શાવાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અરજદાર નરેન્દ્રભાઈ ભોઈ દ્વારા વર્ષ 2022-23 થી એટલેકે સતત ચાર વર્ષથી વિવિધ સરકારી કચેરીઓમાં લેખિત ફરિયાદો કરવામાં આવી હોવા છતાં નિષ્પક્ષ તપાસ નહીં થતાં સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરી મનરેગાના રેકોર્ડ, જોબકાર્ડ, બેંક વ્યવહારો, સ્થળ માપણી અને માટી ઉપાડ અંગેની હકીકત બહાર લાવવાની માંગ ઉઠી છે. ભોઈપુરા ગામમાં જે જગ્યાએ પંચાયત ઘર ઉભું છે તેજ જગ્યાએ તળાવ ઊંડું કરવાનાં બહાને 90 % વિકલાંગ વ્યક્તિનુ જોબકાર્ડ બનાવી તેમજ સર્વે નંબર - 425મા પંચાયતની જગ્યાએ તળાવ બતાવી માજી સરપંચ, તત્કાલિન તલાટી, તત્કાલિન ટીડીઓ સાહિતનાઓએ ખોટી રીતે સરકારની તિજોરીને ખાલી કરી હોવાના આક્ષેપો અરજદારે વધુમાં કર્યા છે તેમજ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસની માગણી કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો