અમદાવાદના ઈતિહાસના સૌથી ભયાનક અને ચકચારી એવા ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં કોર્ટમાં સુનાવણી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. આ કેસમાં કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત સાક્ષીઓની જુબાની લેવાનો દોર સતત ચાલુ છે, જેમાં અત્યાર સુધીમાં તબીબો સહિત અંદાજે 30 જેટલા મહત્વના સાક્ષીઓની જુબાની પૂર્ણ કરી લેવામાં આવી છે.


સ્પીડ એનાલિસિસ કરનાર નિષ્ણાતોની જુબાની

મળતી માહિતી મુજબ, આ હૃદયદ્રાવક અકસ્માત બાદ ઈજાગ્રસ્તોની સારવાર કરનાર અને મૃતકોનું પીએમ કરનાર તબીબી નિષ્ણાતોના નિવેદનો અને જુબાની કોર્ટ સમક્ષ નોંધવામાં આવી છે. આ મહત્વના તબક્કા બાદ હવે પછીની કોર્ટ કાર્યવાહીમાં અકસ્માત સમયની કારની ગતિ કેટલી હતી તે સાબિત કરવા માટે સ્પીડ એનાલિસિસ કરનાર નિષ્ણાતોની જુબાની લેવામાં આવશે. વૈજ્ઞાનિક પુરાવા તરીકે આ જુબાની કેસમાં ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે તેમ છે.

9 લોકોના કરુણ મોત નીપજ્યા હતા

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બનેલી આ કાળઝાળ ઘટનામાં માસૂમ યુવાનો અને પોલીસ કર્મીઓ સહિત કુલ 9 લોકોના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે 10 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર દુર્ઘટના પાછળ લક્ઝુરિયસ જેગુઆર કાર ચલાવી રહેલો નરાધમ તથ્ય પટેલ મુખ્ય આરોપી છે.

તથ્ય પટેલ હાલમાં જામીન પર જેલમુક્ત

આ ચકચારી કેસનો મુખ્ય આરોપી તથ્ય પટેલ હાલમાં જામીન પર જેલમુક્ત છે, જેને લઈને પીડિત પરિવારોમાં ન્યાયની આશા હજુ પણ જીવંત છે. કોર્ટમાં ચાલી રહેલી આ ઝડપી જુબાની પ્રક્રિયા બાદ હવે આ કેસ તેના અંતિમ ચુકાદા તરફ આગળ વધી રહ્યો હોય તેમ જણાય છે. સમગ્ર ગુજરાતની નજર આ કેસમાં તથ્ય પટેલને ક્યારે અને કેટલી કડક સજા થાય છે તેના પર ટકેલી છે.


આ પણ વાંચો ----  Gujarat Latest News Live : રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી

  • Follow us on: