અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલો ઇસ્કોન ફ્લાયઓવર 19 જુલાઈ 2023ની એ કાળી રાત્રે ગુજરાતના ઇતિહાસના સૌથી ભયાનક અને હૃદયદ્રાવક હીટ એન્ડ રન કેસનો સાક્ષી બન્યો હતો. 19 વર્ષના બેફામ બનેલા અમીરઝાદા તથ્ય પટેલે પોતાની પૂરપાટ ઝડપે દોડતી જગુઆર કારથી 9 માસૂમ લોકોના જીવ હણી લીધા હતા. આ ચકચારી કેસમાં તાજેતરમાં 27 મે, 2026ના રોજ સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલના રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે. અકસ્માતની એ રાતથી લઈને સુપ્રીમ કોર્ટના ચુકાદા સુધીનો ઘટનાક્રમ પ્રસ્તુત છે
કાળમુખી રાતનો એ ભયાનક ઘટનાક્રમ
મોડી રાત્રે આશરે 12.30 થી 1 વાગ્યાની વચ્ચે ઇસ્કોન બ્રિજ પર એક થાર ગાડી અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. આ જોવા અને મદદ કરવા પોલીસકર્મીઓ અને સ્થાનિક લોકોનું ટોળું એકઠું થયું હતું. દરમિયાન 19 વર્ષનો તથ્ય પટેલ તેના 5 મિત્રો સાથે જગુઆર કાર લઈને નીકળ્યો હતો.
141.27 કિમી/કલાકની ઘાતક ઝડપે કાર ટોળા પર ચઢાવી
બ્રિજ પર ભીડ હોવા છતાં તથ્યએ 141.27 કિમી/કલાકની ઘાતક ઝડપે કાર ટોળા પર ચઢાવી દીધી. સ્પીડ એટલી હતી કે લોકો ૧૨૦ ફૂટ દૂર ફંગોળાયા અને 2 પોલીસકર્મી સહિત 9 લોકોના મોત નીપજ્યા.
પિતા પ્રજ્ઞેશ પટેલની દાદાગીરી
અકસ્માત બાદ લોકોએ તથ્યને પકડ્યો, પણ તેનો પિતા પ્રજ્ઞેશ પટેલ ત્યાં આવીને લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાના પુત્રને ભગાડી ગયો હતો. જો કે, જનઆક્રોશ વધતા ૨20 જુલાઈએ જ પોલીસે બંનેની ધરપકડ કરી લીધી હતી.
7 જ દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ
આ કેસની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પોલીસે ઘટનાના માત્ર 7 જ દિવસમાં 1684 પાનાની કાયદાકીય કલમોથી સજ્જ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. જેમાં તથ્ય સામે IPC ની કલમ 279, 337, 338, 304, 308 સહિત મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તથ્ય સામે સૌથી ગંભીર ગણાતી IPCની કલમ 304 (સાપરાધ મનુષ્યવધ) લગાવવામાં આવી છે, જેમાં દોષિત ઠરવા પર મહત્તમ 10 વર્ષ સુધીની સખત કેદની સજાની જોગવાઈ છે.
સેસન્સ કોર્ટ (ટ્રાયલ કોર્ટ) ની કાર્યવાહી
ધરપકડ બાદ કોર્ટે તથ્યના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને ત્યારબાદ તેને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. શરૂઆતમાં તથ્ય પટેલ અને તેના પિતા તરફથી સલમાન ખાન અને વિસ્મય શાહના હીટ એન્ડ રન કેસના ઉદાહરણો આપીને જામીન મેળવવા દલીલો કરાઈ, પણ ગુનાની ગંભીરતા જોઈને અમદાવાદ સેસન્સ કોર્ટે તેની જામીન અરજીઓ વારંવાર ફગાવી દીધી. તથ્ય અને તેના પિતાએ કોર્ટમાં એવી અરજી કરી હતી કે તેમના પરથી કલમ 304 (સાપરાધ મનુષ્યવધ) હટાવી દેવામાં આવે (કારણ કે તેમનો ઈરાદો મારવાનો નહોતો). પરંતુ ઓક્ટોબર ૨૦૨૩માં ટ્રાયલ કોર્ટે આ ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી અને સ્પષ્ટ કર્યું કે પૂરપાટ ઝડપે ગાડી ચલાવવી એ જ બતાવે છે કે તમને ખબર હતી કે આનાથી કોઈનું મોત થઈ શકે છે.
ટ્રાયલ કોર્ટે ડિસ્ચાર્જ અરજી ફગાવી
ઓક્ટોબર, 2023માં તથ્યએ પોતાના પરથી માનવવધની કલમ 304 હટાવવા અરજી કરી, પણ સેસન્સ કોર્ટે તે ફગાવી કીધું કે 'પૂરપાટ ઝડપ જ દર્શાવે છે કે તમને પરિણામની ખબર હતી. ત્યારબાદ મે ૨૦૨૫માં તથ્ય પટેલની માતાના ઓપરેશન સંબંધિત કામગીરી માટે ગુજરાત હાઈકોર્ટે તેને માત્ર ૭ દિવસના ટૂંકા ગાળા માટે હંગામી (Interim) જામીન આપ્યા હતા, જે પૂરા થતાં જ તે પાછો જેલમાં ગયો હતો.
સુપ્રીમ કોર્ટનો વળાંક અને સાક્ષીઓની તપાસ
ફેબ્રુઆરી,2026સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતને મે મહિના સુધીમાં કેસના મહત્વના 25 સાક્ષીઓની તપાસ પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયમિત જામીન મંજૂર
27 મે 2026ના રોજ લગભગ પોણા ત્રણ વર્ષ (૩૪ મહિના) જેલમાં વિતાવ્યા બાદ, સુપ્રીમ કોર્ટે આંખે જોનારા 29 સાક્ષીઓની તપાસ પૂર્ણ થવાના આધારે તથ્ય પટેલના રેગ્યુલર જામીન મંજૂર કર્યા.
તેની સામેનો મુખ્ય કેસ ટ્રાયલ હજુ પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલુ
ભલે સુપ્રીમ કોર્ટમાંથી તથ્ય પટેલને જામીન મળી ગયા હોય અને તે જેલની બહાર આવશે, પરંતુ તેની સામેનો મુખ્ય કેસ ટ્રાયલ હજુ પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલુ છે. ગુનાનો અંતિમ ચુકાદો આવવાનો હજુ બાકી છે. આ ઉપરાંત તેનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ આજીવન રદ કરાયેલું રહેશે.ૉ
આ પણ વાંચો---- Ahmedabad : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોનો જીવ લેનારો મુખ્ય આરોપી તથ્ય પટેલ જેલમુક્ત થશે