કલા અને સંસ્કૃતિથી ભારત દેશ વિશ્વભરમાં ઓળખાય છે. પ્રાચીન ભારતીય કલા-સંસ્કૃતિને જીવંત રાખવા અનેક સંસ્થાઓ કાર્યરત છે.
જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. શિક્ષણ, લોકસેવા અને સંસ્કૃતિના ઉત્થાન માટે હંમેશા અગ્રેસર રહેલા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અમદાવાદના કાલુપુર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે 'સમૈયો' ઉત્સવની ઉજવણી અંતર્ગત વિશેષ હેરિટેજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા આશરે 200 વર્ષ પહેલાં લખાયેલા પવિત્ર શિક્ષાપત્રીના લેખનને 200 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આ ભવ્ય 'સમૈયો' ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શ્રી નરનારાયણ દેવ દેશગાદીના સાતમા આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી અને ભાવિ આચાર્યશ્રી વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજની અધ્યક્ષતામાં, કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી 23 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી 2026 દરમિયાન આ ઉત્સવ ભવ્ય રીતે ઊજવાશે. દેશ-વિદેશથી હજારો હરિભક્તો અને સંતો આ ઉત્સવમાં હાજરી આપશે. આ 'સમૈયો' ઉત્સવના ઉપક્રમે તાજેતરમાં કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ચિત્રકલાના વિદ્યાર્થીઓ તથા કલાકારો માટે હેરિટેજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાની જવાબદારી જાણીતા ચિત્રકાર વિનય પંડયા અને પ્રફુલ ખરસાનીને સોંપવામાં આવી હતી.










