કડીના ઇન્દ્રાડના વતની હાલ અમદાવાદમાં રહેતા નિલભાઈ દેસાઈ જમીન દલાલે ઈરાણાના જયેશભાઈ છગનભાઈ રબારી પાસેથી જાન્યુઆરી 2023માં 1 કરોડ રૂપિયા લીધા હતા. નિલભાઈએ ટુકડે-ટુકડે અત્યાર સુધીમાં કુલ 3 કરોડ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં જયેશ રબારીએ વધુ 35 લાખ રૂપિયાની માંગણી ચાલુ રાખી હતી.તારીખ 29 ડિસેમ્બર 2025ના રોજ જયેશ રબારીએ નિલભાઈને હિસાબ કરવા ઈરાણા સ્થિત પોતાના ફાર્મ પર બોલાવ્યા હતા. નિલભાઈ ત્યાં પહોંચતાની સાથે જ જયેશ રબારી, રામનરેશ સિસોદિયા અને અન્ય 5-6 માણસોએ તેમના પર હુમલો કર્યો હતો.
આરોપીઓએ ભેગા મળી નિલભાઈને લાકડીઓ અને કમરપટ્ટાથી બેરહેમીથી માર માર્યો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે જયેશ રબારીએ પક્કડ (સાણસી) વડે નિલભાઈના હાથની આંગળી દબાવી દઈ અસહ્ય પીડા આપી હતી અને ધારિયાથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ત્યાર બાદ આરોપીઓએ નિલભાઈના પિતાને 11 વાર ફોન કરી પૈસા નહીં આપો તો તમારા છોકરાને મારી નાખીશું તેવી ધમકી આપી હતી. ત્યારબાદ જયેશ રબારીએ બે રિવોલ્વર બતાવી, નિલભાઈને ડરાવીને એક વીડિયો રેકોર્ડ કરાવ્યો હતો જેમાં પરાણે કબૂલાવ્યું હતું કે પૈસાથી જમીન ખરીદી છે. એટલું જ નહીં, જયેશ રબારીએ તેના સાઢુ જીગર દેસાઈ મારફ્તે નિલભાઈના અમદાવાદ સ્થિત ઘરે માણસો મોકલી, નિલભાઈ અને તેમના પત્નીના પાસપોર્ટ જબરદસ્તી મેળવી લીધા હતા.અંતે આરોપીઓએ નિલભાઈને નંબર પ્લેટ વગરની સફેદ ફોર્ચ્યુનર ગાડીમાં બળજબરીથી બેસાડી, રિવોલ્વરની અણીએ ધમકી આપી છત્રાલ ટોલનાકા પાસે ઉતારી દીધા હતા. છૂટયા બાદ નિલભાઈએ નંદાસણ પોલીસ મથકે પોહચિ જયેશ રબારી, રામનરેશ સિસોદિયા અને જીગર દેસાઈ સહિતના શખ્સો સામે મારમારી ધારિયાથી હુમલો કરી રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા સહિતના મામલે ફરીયાદ નોંધાવતા નંદાસણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










