શહેરના બહેરામપુરા વિસ્તારમાં ગત 22 ઓગસ્ટે પોતાના ઘર તરફ્ કેમેરો ન લગાવવાનું કહેવા જેવી નજીવી બાબતે બીજા દિવસે 8 શખ્સે વકીલ અને તેમના પરિવારજનો પર લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે . ટોળાએ કરેલા હુમલામાં 4 લોકોને ઇજા પહોંચી હતી, તેમજ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઘટનાના અનુસંધાને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ ફરિયાદ નોંધાવી છે. અબ્દુલ અજીમખાન પઠાણ (ઉ.34) એડવર્ડ બાગ બહેરામપુરામાં પરિવાર સાથે રહે છે અને વકીલાતનો વ્યવસાય કરે છે. ગત 22 ઓગસ્ટે તેમના પડોશમાં ભાડે રહેતા સોહિલ શેખના ઘરે આવેલા કેટલાક શખ્સો વકીલનું ઘર દેખાય તે રીતે કેમેરો લગાવી રહ્યા હતા. વકીલે તેવું કરવાની મનાઈ કરતા તે શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા. જેની અદાવત રાખીને ગત 23 ઓગસ્ટની રાત્રે ફરિયાદી જ્યારે નાસ્તો લેવા બહાર નીકળ્યા ત્યારે આરોપીઓએ તેમની સાથે બળજબરી કરી ગાળો બોલી માર માર્યો હતો. તેઓ ત્યાંથી બચીને તેમના ભાઈ સમીરની દુકાનમાં છુપાઈ ગયા હતા ત્યારે આરોપીઓએ દુકાન પર પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા હતા. બાદમાં વકીલ ઘર તરફ્ ભાગતા સોસાયટીના ગેટ પાસે અન્ય સાગરીતોએ ભેગા થઈ તેમને લાકડીઓથી ફ્ટકાર્યા હતા. વકીલને બચાવવા માટે તેમનો પરિવાર વચ્ચે પડતાં આરોપીઓએ પરિવારજનો પર પણ પથ્થરમારો કર્યો હતો, જેમાં 4 સભ્યોને ઇજા થઈ હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર મામલે દાણીલીમડા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો કાબૂમાં લીધો હતો અને બંને પક્ષોએ સામસામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદનોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો