વસ્ત્રાલમાં એક તરફ માંડ માંડ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યાં તો તેમાં તૂટવાની અને તેની નીચે ગટરના લીકેજની ફરિયાદ પણ સામે આવી રહી છે.


વસ્ત્ર્રાલ પોલીસ ચોકી ચાર રસ્તા પાસે તાજેતરમાં બનેલા રોડની હાલત ચિંતાજનક બની છે. આશ્ચર્યની વાત એ છે કે આ રોડને બન્યાને હજુ એક મહિનો પણ થયો નથી, ત્યાં તો રોડની નીચેમાંથી ગટરનું ગંદું પાણી બહાર આવવા લાગ્યું છે. ગટરનું પાણી રસ્તા પર વહેતા ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે આસપાસના રહીશો અને રાહદારીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે.

સ્થાનિક રહીશોનું કહેવું છે કે રોડ બનતા સમયે નીચી ગુણવત્તાની કામગીરી અને યોગ્ય ગટર લાઇન વ્યવસ્થાનો અભાવ રહ્યો છે. પરિણામે હવે રોડ તૂટવા લાગ્યો છે અને ગટર લીકેજની સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને આ વિસ્તાર વ્યસ્ત ચાર રસ્તો હોવાના કારણે રોજિંદા હજારો લોકો અવરજવર કરે છે, જેને કારણે આરોગ્યની ગંભીર સમસ્યા ઊભી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક અસરકારક પગલાં લઈ ગટર લીકેજની સમસ્યા દૂર કરે, તેમજ રોડની સંપૂર્ણ ગુણવત્તાયુક્ત મરામત કરવામાં આવે. નહીં તો આવનારા સમયમાં આરોગ્ય સંકટ વધુ ઘેરું બનવાની સંભાવના છે.

શહેરમાં ગટર ઊભરાવવાની સમસ્યા વધી છતાં કોઈ જ કામગીરી નહીં

હાલ શહેરમાં મલેરિયા, ડેન્ગયૂ સહિતના મચ્છરજન્ય રોગોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આવી જગ્યાઓ પર ગટરનું પાણી ઉભું રહેવું કે રસ્તા પર વહેવું શહેરવાસીઓના સ્વાસ્થ્ય માટે ખતરાની ઘંટડી સમાન છે. વસ્ત્ર્રાલ માત્ર એક વિસ્તાર નથી, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં નવા બનેલા રસ્તાઓ તૂટવા, ગટર ઊભરાવા અને ડ્રેનેજ વ્યવસ્થા ખોરવાયેલી હોવાની ફ્રિયાદો સતત સામે આવી રહી છે. જેના સાથે જ પાણીજન્ય રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે, તેથી લોકો હેરાન થઈ રહ્યા છે.

અનેક રજૂઆત બાદ રસ્તો બન્યો અને તેમાં પણ ખામી

નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો છતાં તંત્ર તરફ્થી માત્ર તાત્કાલિક પેચવર્ક કરી જવાબદારીથી બચવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ચુંટાયેલા પ્રતિનિધિઓ વિકાસના દાવા કરે છે, પરંતુ જમીન પર વિકાસની હકીકત કંઈક અલગ જ નજરે પડી રહી છે. સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક અસરકારક પગલાં લઈ ગટર લીકેજની સમસ્યા દૂર કરે, તેમજ રોડની સંપૂર્ણ ગુણવત્તાયુક્ત મરામત કરવામાં આવે. નહીં તો આવનારા સમયમાં આરોગ્ય સંકટ વધુ ઘેરું બનવાની સંભાવના છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: