દક્ષિણ ઝોનમાં આવેલા દાણીલીમડા ચાર રસ્તા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય પાણીની લાઈનમાં વહેલી સવારે અચાનક ભંગાણ પડતા લાખો લિટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહી ગયું હતું. લાઈન તૂટવાને કારણે પાણીના ઊંચા ફ્ુવારા ઉડયા હતા, જેના દ્રશ્યો જોઈને સ્થાનિકોમાં કૌતુક સાથે રોષ જોવા મળ્યો હતો. એક તરફ્ જ્યારે શિયાળામાં દાણીલીમડામાં અનેક વિસ્તારોમાં પાણીની તંગી વર્તાઈ રહી છે, ત્યારે પીવાના પાણીની મુખ્ય લાઈન ફટવાને કારણે પીવાનું ચોખ્ખું પાણી ગટરોમાં વહી ગયું હતું.
એટલું જ નહી પાણીનું દબાણ એટલું વધારે હતું કે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ભંગાણને કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં પાણીનો સપ્લાય ખોરવાયો હતો. લાઈનમાં ભંગાણ પડતા દાણીલીમડા અને આસપાસની સોસાયટીઓના રહીશોને પીવાના પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, એક તરફ્ પાણી આવતું નથી અને બીજી તરફ્ આટલો મોટો બગાડ થઈ રહ્યો છે. સવારથી પાણી ન મળવાને કારણે મુશ્કેલી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ્ ઘટનાની જાણ થવા છતાં તંત્ર દ્વારા લાઈન રિપેર કરવામાં વિલંબ થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દાણીલીમડા ચાર રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકોને પણ પસાર થવામાં મુશ્કેલી પડી હતી અને ટ્રાફ્કિ જામના દ્રશ્યો સર્જાયા હતા. તેમજ સવારના પિક અવર્સમાં ભંગાણ પડયું હોવાના કારણે ભારે ટ્રાફ્કિ જામ થઈ ગયો હતો. જોકે હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ લાઈન સંપૂર્ણ રિપેર ન થાય ત્યાં સુધી સ્થાનિકોને પાણી માટે વલખાં મારવા પડશે તેવું લાગી રહ્યું છે.










