યુપીઆઈ પેમેન્ટ પર 0.4 ટકાની ફી વસૂલવાની જાહેરાત બાદ કેટલાક વેપારીઓ દ્વારા તેના બદલેહવે રોકડ રકમ સ્વીકારવાનો આગ્રહ રખાઈ રહ્યો છે, કેટલાક વેપારીઓએ તો યુપીઆઈ નહિ ઓન્લી કેશના બોર્ડ લગાવી દીધા હોવાનું સામે આવી રહ્યું છે. અલબત્ત, યુપીઆઈ પર ફી વસૂલવાની જાહેરાત થઈ એ પહેલાં ગુજરાત હાઈકોર્ટના એક વકીલને અમદાવાદના પેલેડિયમ મોલ ખાતે પીવીઆર આઈનોક્સ મલ્ટીપ્લેક્સમાં કડવો અનુભવ થયો હતો, જેમાં મૂવીની ટિકિટના રોકડ નાણાં સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દેવામાં આવી હતી, એટલું જ નહિ પરંતુ ખાણી-પીણીની ચીજ વસ્તુ ખરીદતી વખતે પણ રોકડ નાણાં લેવાનો ઈન્કાર કરી યુપીઆઈ દ્વારા જ નાણાં ચુકવવાની ફરજ પાડી હતી. આ કિસ્સાને લઈને વકીલે પીવીઆર આઈનોક્સને કાનૂની નોટિસ ફટકારી હોવાનું સામે આવ્યું છે. ગત 13મી સપ્ટેમ્બરના પેલેડિયમ મોલના પીવીઆર આઈનોક્સના કડવા અનુભવ બાદ હાઈકોર્ટના વકીલે 16મી સપ્ટેમ્બરે પીવીઆર આઈનોક્સને લીગલ નોટિસ આપી છે, જેમાં રોકડ રકમનો અસ્વીકાર કરાયો તેની સામે વાંધો ઊઠાવાયો છે, નોટિસમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ 1934ની કલમ 16(1)ને ઉલ્લેખી આરબીઆઈ દ્વારા જારી કરાયેલા ચલણી નોટ સમગ્ર દેશમાં કાયદેસરના નાણાં તરીકે માન્યતા આપી હોવાનું કહેવાયું છે. પીવીઆર આનોક્સને ખુલાસો કરવા માટે કહેવાયું છે, જો રોકડા નાણાંની પ્રતિબંધાત્મક નીતિ હોય તો તે વેચાણના સ્થળે સ્પષ્ટપણે દર્શાવવી જોઈએ, એટલું જ નહિ પરંતુ ગ્રાહક નાણાં આપવા પ્રયાસ કરે તે પહેલાં જાણ કરવી જોઈએ, ટૂંકમાં યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ કે અન્ય ડિજિટલ પેમેન્ટના વિકલ્પો સામે કોઈ જ વાંધો નથી પરંતુ રોકડ રકમ સ્વીકારવાનો ધરાર ઈન્કાર કરવામાં આવે તેની સામે વાંધો છે. સમગ્ર મામલે પીવીઆર આઈનોક્સને કાનૂની નોટિસ મોકલીને ખુલાસો માગવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો