શહેરના બોપલ, ઘુમા, શેલા સહિતનાં વિસ્તારમાં વરસાદી સ્થિતિ અને સ્થાનિક સમસ્યાઓથી કંટાળેલા સ્થાનિક રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. બોપલ ગામના વિસ્તારની મુલાકાતે પહોંચેલા અમદાવાદના મેયરને સ્થાનિક લોકોએ સ્થળ પર જ ઘેરી લીધા હતા અને તંત્રની નબળી કામગીરી સામે ભારે રોષ ઠાલવીને તેમનો જોરદાર ઉધડો લીધો હતો. વેરો ભરવા છતાં સુવિધાઓ ન મળતી હોવાનો આક્ષેપ કરીને લોકોએ મેયરનો ઘેરાવો કર્યો હતો, જેના કારણે સ્થળ પર થોડા સમય માટે ભારે અફરાતફરી અને હોબાળાનો માહોલ સર્જાયો હતો. તંત્ર સામે જનતામાં વધી રહેલો રોષ હવે સીધો જનપ્રતિનિધિઓ સામે બહાર આવી રહ્યો છે. જો આ મુદ્દાને લઈને મેયરે કહ્યું હતુ કે અવાજ ઉઠાવનારો વિપક્ષનો વ્યકિત છે.અમારા તરફથી કામગીરી કરાઈ રહી છે. આ વિસ્તારોમાં મેયર બાદ મ્યુ.કમિશનરે પણ મુલાકાત લીધી હતી.
