ઘરેલુ રસોઈ ગેસ (LPG)ના 14.2 કિલોનાસિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાના વધારાની સીધી અસર ગુજરાતના લાખો પરિવારોના માસિક બજેટ પર જોવા મળશે. પેટ્રોલિયમ ક્ષેત્રના ઉપલબ્ધ આંકડાઓ અનુસાર 1 એપ્રિલ, 2026ની સ્થિતિએ ગુજરાતમાં 1.285 કરોડ સક્રિય ઘરેલુ LPG ગ્રાહકો નોંધાયેલા છે. રાજ્યમાં LPG નોવ્યાપ સતત વધી રહ્યો હોવાથી ભાવવધારાનો પ્રભાવ પણ વ્યાપક બનવાનો છે.
જો ગુજરાતના તમામ સક્રિય ગ્રાહકો દર મહિને સરેરાશ એક સિલિન્ડરનો ઉપયોગ કરે તો રૂ. 29ના વધારાને કારણે ગ્રાહકોને દર મહિને અંદાજે 37.26 કરોડનો વધારાનો ખર્ચ કરવો પડશે. વર્ષભરના ધોરણે આ રકમ રૂ. 446.9 કરોડથી વધુ થાય છે. એટલે કે માત્ર એક ભાવવધારાથી જ ગુજરાતના ગ્રાહકોના ખિસ્સા પર લગભગ 500 કરોડ રૂપિયાનો વધારાનો બોજ આવી શકે છે.
રાજ્યમાં છેલ્લા દાયકામાં LPGનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે. રાજ્યમાં વર્ષ 2013માં માત્ર 598 LPG વિતરકો હતા, જે 2025 સુધીમાં વધીને 1,041 થયા છે. એટલે કે, છેલ્લા 12 વર્ષમાં 443 નવા વિતરકો ઉમેરાયા છે. રાજ્યમાં કુલ 11 LPG બોટલિંગ પ્લાન્ટકાર્યરત છે, જેની કુલ વાર્ષિક બોટલિંગ ક્ષમતા 11.10 લાખ મેટ્રિક ટન છે. આ માળખાગત સુવિધાઓના કારણે ગુજરાતમાં ગેસનો પુરવઠો પ્રમાણમાં સુવ્યવસ્થિત માનવામાં આવે છે.
વર્ષ 2025-26 દરમિયાન ગુજરાતમાં 2.45 લાખ નવા ઘરેલુ LPG કનેક્શન અપાયા હતા. આ આંકડો દર્શાવે છે કે હજુપણ નવા પરિવારો LPG સાથે જોડાઈ રહ્યા છે. નવા કનેક્શનનો મોટો હિસ્સો ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોમાંથી આવ્યો હોવાનું માનવામાં આવે છે. રાજ્યમાં 1.73 લાખ નવા ડબલ બોટલ કનેક્શન (DBC) પણ નોંધાયા છે. ડબલ બોટલકનેક્શન એટલે ગ્રાહક પાસે એક સાથે બે સિલિન્ડર ઉપલબ્ધ હોય.
ગુજરાતમાં 44.02 લાખથી વધુ પરિવારો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આવરી લેવાયા છે.LPGના વધતા ભાવોની અસર આ પરિવારોના ગૃહખર્ચ પર પણ પડી શકે છે. ખાસ કરીને નિયમિત રિફ્લિ કરાવતા પરિવારો માટે વધારાનો ખર્ચ નોંધપાત્ર બની શકે છે.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને ભાવનગર જેવા શહેરોમાં LPGનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. ભાવવધારાની સીધી અસર શહેરી મધ્યમવર્ગીય પરિવારો પર જોવા મળશે.
વર્ષ 2025-26 દરમિયાન ગુજરાતમાં કુલ 12.10 લાખ મેટ્રિક ટન ઘરેલુ LPGનું વેચાણ નોંધાયું હતું. રાજ્ય દેશના ઘરેલુ LPG વાપરાશ ધરાવતા અગ્રણી રાજ્યોમાં સામેલ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો