શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અમર એસ્ટેટના એક શેડમાં રાશનના લોટમાં કીડીઓ ઘૂસી જવા બાબતે બોલાચાલી અને ઝઘડાની અદાવતમાં લોખંડની સાણસી વડે મરણજનારના માથાના ભાગે ઘા મારીને મોત નીપજાવવાના મામલે અધિક સત્ર ન્યાયાધીશ પી.પી. પટેલે દિનેશકુમાર રામલાલ યાદવને ગુનેગાર ઠરાવીને સાત વર્ષની સજા ફ્ટકારી છે. કોર્ટે જણાવ્યું કે માથા જેવા શરીરના મુખ્ય ભાગ પર સાણસી જેવા સાધનથી ઘા કરવાથી ગંભીર ઈજા તથા મૃત્યુ થવાની શક્યતા અંગે આરોપીને જ્ઞાન હોવાનું માનવું યોગ્ય છે, પરંતુ આ કેસ હત્યાના બદલે સાપરાધ મનુષ્યવધ જે ખૂન નથી બનતોના વ્યાપમાં આવે છે. શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અમર એસ્ટેટ (અનિલ સ્ટાર્ચ રોડ)ના એક શેડમાં તા. 28-2-2023ના રોજ રાત્રે આરોપી દિનેશકુમાર રામલાલ યાદવ અને મરણજનાર રામસજીવન ચૌહાણ વચ્ચે રાશનના લોટમાં કીડીઓ ઘૂસી જવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયેલો. જેની અદાવત રાખીને ઉશ્કેરાઈને દિનેશકુમાર રામલાલ યાદવે લોખંડની સાણસી વડે રામસજીવન ચૌહાણના માથાના ભાગે ઘા માર્યો હતો, જેના કારણે ગંભીર ઈજા થવાથી સારવાર દરમિયાન તા. 2-3-2023ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. શહેરકોટડા પોલીસે ગુનો નોંધી આરોપી દિનેશકુમાર યાદવની ધરપકડ કરી કોર્ટમાં કેસ મૂક્યો હતો. જે કેસ ચાલતાં સરકારી વકીલ ધવલ મહેતાએ સાક્ષીઓ અને દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને જણાવ્યું હતું કે, સામાન્ય બાબતમાં હત્યા કરવામાં આવી છે. ત્યારે સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીને મહત્તમ સજા કરવી જોઈએ. ત્યારબાદ કોર્ટે આરોપીને સાપરાધ મનુષ્યવધ જે ખૂન નથી બનતો તેના ગુના હેઠળ સાત વર્ષની સજા ફ્ટકારી છે.
