ઉપરવાસમાં થયેલા સતત અને ભારે વરસાદના કારણે ધોલેરા પંથકમાં પૂર જેવાં એંધાણ સર્જાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે. ધીંગડા ગામના નીચાણવાળા વિસ્તારમાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા 20 લોકોનું એનડીઆરએફ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, ધોલેરા તાલુકાના વણી તળાવ ગામમાં પણ 50થી વધુ લોકો પાણીમાં ઘેરાઈ જતાં એનડીઆરએફની ટીમે ઓપરેશન ચલાવી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢયા હતા. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી સતત આવી રહેલા પાણીના જોરદાર પ્રવાહને કારણે બુરાનપુર, આણંદપુર અને વણી તળાવ ગામો બેટમાં ફેરવાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ધોલેરાનું પ્રસિદ્ધ કમિયાળા હનુમાન મંદિર પણ વરસાદી પાણીથી ઘેરાઈ ગયું છે. મંદિર પરિસરમાં પાણી ઘૂસી જતાં સમગ્ર મંદિર પરિસર જળમગ્ન બન્યું છે. વરસાદી પાણીના પ્રવાહને લીધે ધીંગડા નજીક મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતાં બગોદરાથી ગુંદી ફાટક સુધીનો માર્ગ તંત્ર દ્વારા કામચલાઉ ધોરણે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે અને વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ વાપરવા અપીલ કરાઈ છે. ઉપરવાસમાંથી આવી રહેલા પાણીથી ધનાળા, કમિયાળા, આણંદપુર, બુરાનપુર અને વણી તળાવ સહિતના ગામો સૌથી વધુ પ્રભાવિત થયા છે. ધોળકામાં 17 ઇંચથી વધુ વરસાદ અને ઉપરવાસની આવકથી પૂરના પાણીમાં તણાઈ જતાં પાંચ લોકોના મોત નીપજ્યા છે. સરસ્વતી સ્કૂલ, મફલીપુર અને કલિકુંડ પાસેથી પાંચ મૃતદેહ મળ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો