વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે જતા ગુજરાતી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ચિંતાજનક અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદનો વતની અને જ્યોર્જિયામાં MBBS કરી રહેલો વિદ્યાર્થી ધ્વનિત રાજદીપ છેલ્લા 10 દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયો છે. દીકરાના કોઈ સગડ ન મળતાં અમદાવાદમાં રહેતા તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. છેલ્લા 10 દિવસથી દીકરાની રાહ જોઈને બેઠેલા માતા-પિતાની આંખો સુકાવાનું નામ નથી લઈ રહી. આ મામલે લાચાર પિતાએ ભારત સરકાર અને વિદેશ મંત્રાલય પાસે તાત્કાલિક મદદની ગુહાર લગાવી છે.

 કેટલાક લોકો દ્વારા તેને અસહ્ય માનસિક ત્રાસ અપાતો

ધ્વનિતના પિતા મયુરભાઈ રાજદીપે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં પોતાની આર્તનાદ વ્યક્ત કરતાં હોસ્ટેલ પ્રશાસન અને સાથે રહેતા લોકો પર ગંભીર આક્ષેપો કર્યા છે. પિતાના જણાવ્યા મુજબ, ધ્વનિત જે હોસ્ટેલમાં રહેતો હતો ત્યાં તેની સાથે રહેતા કેટલાક લોકો દ્વારા તેને અસહ્ય માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. આ માનસિક પ્રતાડનાથી કંટાળીને જ ધ્વનિત ક્યાંક ચાલ્યો ગયો છે અથવા તેની સાથે કોઈ અઘટિત ઘટના ઘટી હોવાની આશંકા સેવાઈ રહી છે.

સત્તાવાળાઓને જાણ કરાઇ

પરિવારના જણાવ્યા અનુસાર, આ અંગે જ્યોર્જિયામાં સ્થાનિક પોલીસ, ભારતીય દૂતાવાસ અને યુનિવર્સિટીના સત્તાધિકારીઓને લેખિત અને મૌખિક જાણ કરી દેવામાં આવી છે. જો કે, આટલા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી ધ્વનિતનો કોઈ પત્તો લાગ્યો નથી કે તપાસમાં કોઈ મોટી કડી હાથ લાગી નથી.

પિતાની ભાવુક અપીલ

 પિતા મયુરભાઈએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન કાર્યાલયને ભાવુક અપીલ કરતાં જણાવ્યું છે કે તમામ તંત્રોને જાણ હોવા છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી, સરકાર સત્વરે દરમિયાનગીરી કરે અને મારા માસૂમ દીકરાને સુરક્ષિત રીતે વતન પરત લાવે. આ ઘટનાને પગલે વિદેશમાં ભણતા અન્ય ભારતીય વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ ચિંતાની લહેર પ્રસરી ગઈ છે.