અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સ્કૂલ બોર્ડ અને જાપાનની જગવિખ્યાત મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કંપની 'યામાહા' (Yamaha) વચ્ચે એક મહત્વપૂર્ણ એમઓયુ (MoU - મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ) કરવામાં આવ્યા છે. આ ભાગીદારી હેઠળ, મ્યુનિસિપલ શાળાઓમાં ભણતા સામાન્ય પરિવારના બાળકોને આંતરરાષ્ટ્રીય સ્તરની સંગીત તાલીમ મેળવવાની સુવર્ણ તક સાંપડશે.

પાયલોટ પ્રોજેક્ટ હેઠળ 1,692 વિદ્યાર્થીઓની પસંદગી

આ અનોખી પહેલના પ્રથમ તબક્કામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદની 24 શાળાઓની પસંદગી કરવામાં આવી છે. આ શાળાઓના કુલ 1,692 વિદ્યાર્થીઓને પ્રોફેશનલ મ્યુઝિકલ ટ્રેનિંગ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય હેતુ બાળકોમાં ભણતરની સાથે-સાથે કલા અને સંગીતના કૌશલ્યનો વિકાસ કરવાનો છે, જેથી તેઓ વૈશ્વિક મંચ પર પણ પોતાની પ્રતિભા દર્શાવી શકે.

વિદ્યાર્થીઓને મફત મળશે રેકોર્ડર અને બુક સેટ

તાલીમ મેળવનારા તમામ 1,692 વિદ્યાર્થીઓને સંગીત શીખવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ કિટ આપવામાં આવશે. આ કિટ અંતર્ગત દરેક બાળકને સંગીત શીખવા માટેનું આધુનિક 'રેકોર્ડર' (મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ) અને સ્પેશિયલ 'બુક સેટ' તદ્દન મફત આપવામાં આવશે. AMCની આ નવીન કવાયતથી સરકારી શાળાઓના સ્તરમાં મોટો સુધારો જોવા મળશે અને બાળકોનો સર્વાંગી વિકાસ શક્ય બનશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો