ગૂગુજરાત વિદ્યાપીઠ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ યોજાયો હતો. દીક્ષાંત સમારોહમાં 7 વિદ્યાશાખાના 18 વિભાગોના કુલ 900 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, 'મારાં માતા મહાત્મા ગાંધીજીના અનુયાયી હતાં અને તેમણે આજીવન ખાદી પહેરવાનું વ્રત લીધું હતું. મેં પોતે પણ સૂતર કાંત્યું છે અને ખાદી વણી છે. ગાંધીજીનો સંદેશ ગઈકાલે, આજે અને 100 વર્ષ પછી પણ એટલો જ મહત્ત્વનો રહેશે, કારણ કે દુનિયાના કલ્યાણનો સાચો માર્ગ ભારતીય જીવન પદ્ધતિ અને જ્ઞાન પરંપરામાં જ સમાયેલો છે.'

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'આજે મારી સામે બેઠેલા 900 વિદ્યાર્થીઓ માટે આ એક અનમોલ દિવસ છે. મેં પોતે વિદ્યાપીઠની લાઈબ્રેરીના પુસ્તકોનો ગહન અભ્યાસ કર્યો છે, પરંતુ ક્યારેય કલ્પના નહોતી કરી કે હું અહીં મુખ્ય અતિથિ તરીકે ભાષણ આપીશ. આઝાદી પછી દેશની શિક્ષણ નીતિ કેવી હોવી જોઈએ, તેનું ઉત્કૃષ્ટ મોડલ આ વિદ્યાપીઠ બન્યું છે. જીવનમાં ઘણા ઉતાર-ચડાવ આવે છે, પરંતુ એક મોટી વ્યક્તિએ મને કહ્યું હતું કે 'કામ થશે કે નહીં એ વિચારવા કરતાં, કામ કરવું કે ન કરવું' એ નક્કી હોવું જોઈએ. તમારું લક્ષ્ય માત્ર પોતાના માટે નહીં, પણ દેશ અને પરિવાર માટે હોવું જોઈએ. મારા જીવનમાં પણ અનેક કઠણાઈઓ આવી અને મને નિરાશ કરવાના ઘણા પ્રયાસો થયા, છતાં મેં ક્યારેય હિંમત નથી હારી. મારું લક્ષ્ય સ્પષ્ટ હતું, એટલે જ હું દરેક મુશ્કેલીમાંથી હસતાં હસતાં બહાર નીકળી ગયો.'

તેમણે ઉમેર્યું હતું કે, મહાત્મા ગાંધી આ સંસ્થાના સ્થાપક કુલાધિપતિ રહ્યા છે અને અનેક મહાનુભાવોએ અહીં સેવા આપી છે. આજે લાંબા સમય બાદ રાજ્યપાલના કુલાધિપતિ પદ હેઠળ આ વિદ્યાપીઠ ફરી ગાંધીજીના વિચારો સાથે સક્રિયતાથી કામ કરી રહી છે. પદવી મેળવનારાઓમાં 441 વિદ્યાર્થિનીઓ અને 459 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં સ્નાતક કક્ષાના 184, અનુસ્નાતક કક્ષાના 400, સ્નાતકોત્તર અભ્યાસક્રમના 232, અનુસ્નાતક ડિપ્લોમાના 21 તથા એમ.ફ્લિ/પીએચ.ડી.ના 63 પદવીધારકો સામેલ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો