ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલી કથિત નાણાકીય ગેરરીતિઓ અને લાખો રૂપિયાની કથિત અનિયમિતતાઓના વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વિદેશ પ્રવાસો દરમિયાન સરકારી ભંડોળમાંથી અંગત ખર્ચા કરવા તેમજ કેન્દ્રીય ગ્રાન્ટના હિસાબોમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો બાદ નિરજા ગુપ્તા વિરુદ્ધ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ કમિટી સઘન તપાસ ચલાવી રહી છે. કાયદાકીય અને વહીવટી પ્રક્રિયા તેજ બનતાં આ સંકટમાંથી બહાર આવવા માટે તેમણે ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાએ લોબિંગ શરૂ કરી દીધું હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે.
ગુજરાત યુનિવર્સિટીમાં વિવાદોનું વાવાઝોડું યથાવત રહ્યું છે, જેમાં પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે પદનો કથિત દુરુપયોગ, મોટો પગાર મેળવવા અને પીએમજેવીકે (PMJVK) તથા બ્રેન મેપિંગ પ્રોજેક્ટમાં કરોડોના ફ્ંડના વહીવટને લઈને અનેક સવાલો ઊભા થયા છે. વિદ્યાર્થી સંગઠનોના ઉગ્ર વિરોધ અને હોબાળા બાદ યુનિવર્સિટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને કમિટી દ્વારા એક પછી એક દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ તપાસનો રેલો પૂર્વ કુલપતિ સુધી પહોંચી રહ્યો હોવાની ચર્ચા વચ્ચે કાનૂની સકંજામાંથી બહાર નીકળવા માટે તેમણે ગાંધીનગરના પ્રભાવશાળી વર્તુળોમાં દોડધામ વધારી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. યુનિવર્સિટીના વર્તમાન સત્તાધીશો દ્વારા બાકી રહેલા હિસાબોનું ઓડિટ કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે, જેના કારણે આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે. આ સમગ્ર પ્રકરણમાં જ્યાં એક તરફ્ તપાસ કમિટી દ્વારા ચાલી રહેલી તપાસના આધારે કેટલાક અસ્થાયી કર્મચારીઓની સામે સસ્પેન્શન જેવાં પગલાં લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, ત્યાં બીજી તરફ્ પૂર્વ કુલપતિ દ્વારા ગાંધીનગરના આંટાફેરા વધારી દેવાતાં રાજકીય અને શૈક્ષણિક બેડામાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે. તપાસ સમિતિનો આખરી અહેવાલ આવે તે પૂર્વે પોતાના બચાવ માટે પ્રયાસો થઈ રહ્યા હોવાની ચર્ચા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં નિરજા ગુપ્તા સામે જે રજૂઆતો અને આક્ષેપો થયા છે એમાં પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ અંતર્ગત રૂ.16.53 કરોડની ગ્રાન્ટ પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર તરીકે તેમના ખાતામાં જમા થઈ હતી, જેમાંથી તેમણે રૂ.14.60 કરોડ યુનિ.માં જમા કરાવ્યા છે. પરંતુ બાકીની રકમના ઉપયોગ સામે સવાલો ઊઠયા છે. જેમાં તેમના વિદેશ રહેતા પુત્રના ખાતામાં કથિત રીતે રૂ.9.75 લાખ જેટલા ટ્રાન્સફર કરાયા હોવાનો પણ તપાસ સમિતિ સમક્ષ આક્ષેપ મૂકાયો છે. આ ઉપરાંત વિદેશ પ્રવાસ દરમિયાન યુનિવર્સિટીના ભંડોળમાંથી લિપસ્ટિક સહિતની મોંઘી બ્રાન્ડની બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદાઈ હોવાનો આક્ષેપ છે. સાથોસાથ બ્રેઈન મેપિંગ પ્રોજેક્ટમાં રૂ.27 લાખ જેટલું મહેનતાણું લેવાયું હોવાના, નેક મૂલ્યાંકન વખતે રૂ.55 લાખની અધિકારી-કર્મચારીઓને લ્હાણી કરાઈ હોવાના તેમજ નિયમો નેવે મૂકી ઊંચા પગારે ભરતી કરાઈ હોવાના આક્ષેપો સંદર્ભે પણ હાલ તપાસ કમિટી દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે.
