અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ કો.ઓ. સોસાયટીને તંત્ર દ્વારા 35 વર્ષ બાદ 'ગેરકાયદે' જાહેર કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સતત બીજા દિવસે પણ અહીંના રહીશો દ્વારા ડિમોલિશનની કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા સોસાયટીના રહીશોને તેમના ઘરો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. આ મકાનો રહીશોએ કાયદેસર રીતે બિલ્ડર પાસેથી ખરીદ્યા હતા, તેમ છતાં હવે તેમને ઘર છોડવાની ફરજ પડી રહી છે. આ અંગે સ્થાનિકોએ બિલ્ડર અને તંત્રની બેદરકારી સામે આકરા આક્ષેપો લગાવ્યા છે. રહીશોનું કહેવું છે કે, આટલા વર્ષો સુધી તંત્રને કેમ ખ્યાલ ન આવ્યો અને હવે જ્યારે મકાનો બની ગયા છે ત્યારે કાર્યવાહી કેમ કરવામાં આવી રહી છે?


AMCની બાંહેધરી પોકળ

રહીશોએ પોતાના ઘરો ન તોડવા માટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સમક્ષ રજૂઆતો કરી છે. આ મામલે તંત્ર દ્વારા સ્થાનિકોને વૈકલ્પિક રહેણાંક વ્યવસ્થા કરી આપવાની બાંહેધરી આપવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જોકે, સ્થાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે, "જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા યોગ્ય રીતે ન થાય ત્યાં સુધી અમે લડી લઈશું અને ઘર છોડીશું નહીં." આ ઘટનાએ ફરી એકવાર શહેરી વિકાસમાં બિલ્ડરો દ્વારા થતી ગેરરીતિઓ અને તેના પર તંત્રના ઢીલા નિયંત્રણોના ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિકોની વર્ષોની મૂડી અને મહેનત દાવ પર લાગી ગઈ છે, ત્યારે હવે તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા બાબતે ક્યારે અને કેવી રીતે પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે.

આ પણ વાચો : Ahmedabad News : આણંદ ધર્માંતરણ કેસ, પુખ્ત વયની દીકરીના નિર્ણય સામે હાઈકોર્ટનો સપોર્ટ, પિતાની અરજી ના-મંજૂર

  • Follow us on: