અમદાવાદની સ્પેશિયલ પોકસો કોર્ટે ખોખરા પોલીસની તપાસ પદ્ધતિ સામે કડક વલણ અપનાવતા એક અત્યંત સંવેદનશીલ કેસમાં રજૂ કરેલો 'સી' સમરી રિપોર્ટ ફગાવી દીધો છે. ખોખરા પોલીસે સગીર પીડિતાની માનસિક સ્થિતિને કારણ ધરીને આ કેસ બંધ કરવાની માંગ કરી હતી, જેને ખાસ જજ અસ્મિકાબેન ભટ્ટે સખ્ત શબ્દોમાં નકારી કાઢી નવેસરથી તપાસના આદેશ આપ્યા છે.


તપાસમાં પીડિતાના કપડાં પરના લોહીના ડાઘ માસિક ધર્મના હોવાનું ખૂલ્યું હતું

પોલીસે કોર્ટમાં તર્ક રજૂ કર્યો હતો કે પીડિતા માનસિક બીમારીની દવા લે છે અને તેને કાલ્પનિક વાર્તાઓ બનાવવાની આદત છે. મેડિકલ તપાસમાં પીડિતાના કપડાં પરના લોહીના ડાઘ માસિક ધર્મના હોવાનું ખૂલ્યું હતું અને આસપાસના સાક્ષીઓએ આવી કોઈ ઘટના જોઈ હોવાનો ઈનકાર કર્યો હતો. પોલીસે એવો નિષ્કર્ષ કાઢ્યો હતો કે માતા-પિતાના ડરથી બચવા પીડિતાએ દુષ્કર્મની ખોટી વાર્તા ઊભી કરી છે. જોકે, અદાલતે પોલીસના આ કારણોને અપૂરતા અને અસંવેદનશીલ ગણાવ્યા છે. કોર્ટે સ્પષ્ટ કયું કે પીડિતા સગીર અને માનસિક રીતે અસ્થિર હોય ત્યારે તેની વધુ કાળજી રાખવી જોઈએ.

પીડિતાના કાયદાકીય અધિકારોનું રક્ષણ કરી પોલીસની નિષ્કાળજી પર લાલ આંખ કરી છે

સગીર પીડિતા માનસિક બીમાર હોવાથી તે જૂઠું જ બોલે તેવું માની શકાય નહીં. અદાલતે પોલીસનો રિપોર્ટ રદ કરતા આદેશ આપ્યો છે કે, પીડિતાએ આપેલા વર્ણન મુજબ આરોપીના સ્કેચ તૈયાર કરી સધન શોધખોળ કરવામાં આવે. આ મામલે ફરી તપાસ કરીને આગામી ૩૦ દિવસમાં વિગતવાર અહેવાલ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે. આમ, કોર્ટે માનસિક અસ્વસ્થ પીડિતાના કાયદાકીય અધિકારોનું રક્ષણ કરી પોલીસની નિષ્કાળજી પર લાલ આંખ કરી છે.

પીડિતાની ઈજાઓ પોતાની મેળે કરેલી નહોતી : સ્પે. પોક્સો કોર્ટ

પોકસોની ખાસ કોર્ટે નોંધ્યું હતું કે, મેડિકલ ઓફિસરના રિપોર્ટ મુજબ, પીડિતાની છાતીના ભાગે જોવા મળેલી ઈજાઓ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી અને તે 'સેલ્ફ ઇન્ફિલક્ટેડ (પોતાની મેળે કરેલી) નહોતી. પીડિતાએ પોતે જ ડોક્ટરને જણાવ્યું હતું કે તેના હાથ પરના સિગારેટના ડામ તેણે પોતે કર્યા છે, જ્યારે અન્ય ઇજાઓ અજાણ્યા શખ્સે કરી છે. આ બાબત સાબિત કરે છે કે પીડિતા સંપૂર્ણ જૂઠું બોલી રહી નથી. તપાસ અધિકારીએ ગુનેગારને શોધવાને બદલે માત્ર પીડિતાની માનસિક સ્થિતિ પર ધ્યાન આપીને કેસ બંધ કરવામાં વધુ રસ દાખવ્યો હોય તેવું જણાય છે. પાન પાર્લરના માલિક કે અન્ય પાડોશીઓએ ગુનો થતો જોયો નથી, તેનો અર્થ એ નથી કે ગુનો થયો જ નથી, કારણ કે કોઈ સાક્ષીએ પીડિતા પર સતત નજર રાખી નહોતી.


આ પણ વાંચો : Weather News : ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં વધારો, પવનની ગતિ વધતા ઠંડીનો થઈ રહ્યો છે અહેસાસ


 

  • Follow us on: