AMCના ટેક્સ અને ટાઉન પ્લાનિંગ વચ્ચે સંકલનનો અભાવ હોવાની વાત સામે આવી છે, અમદાવાદમાં 5 હજારથી વધુ મકાન રિડેવલપમેન્ટમાં છે અને રિડેવલપમેન્ટમાં જુની સોસાયટી પાસેથી પૂરી રકમ વસુલાય છે અને નવા બાંધકામની રજા ચિઠ્ઠી આપતી વખતે જુનો ટેક્સ વસુલાય છે અને બીજા વર્ષથી ટેક્સની રકમ ભરવાની થતી નથી.
AMCમાં સંકલનના અભાવે પ્રોપર્ટી ધારકો મુશ્કેલીમાં
શહેરમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા વેગવંતી બની છે, ત્યારે રિડેવલપમેન્ટમાં ગયેલી સોસાયટીના સભ્યોને બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે ફિઝીકલ અને વોટસઅપ નોટીસ ફટકારી છે. નિયમ મુજબ કોઈ નવા બાંધકામની સ્કીમમાં રજા ચિઠ્ઠી આપી દેવાયા બાદ પ્રોપટી ટેક્સ ચૂકવવાનો થતો નથી. AMCના ટાઉનપ્લીંગન અને ટેક્સ વિભાગ વચ્ચે સંકલન નહીં હોવાથી પ્રોપર્ટી ધારકોને દોડાદોડ કરવી પડે છે. અમદાવાદમાં પાંચ હજારથી વધુ મકાનો રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કાર્યરત છે. આગામી ત્રણ વર્ષમાં અંદાજે દસ હજારથી વધુ નવા મકાનો બનશે. નિયમ મુજબ રિડેવલપમેન્ટમાં જોડાયેલી સોસાયટીઓને નવા બાંધકામ માટે રજા ચિઠ્ઠી આપતી વખતે જૂના ટેક્સની પૂરેપૂરી રકમ વસુલાય છે.
રજા ચિઠ્ઠી પછી સોસાયટીનું ડિમોલેશન થઈ જતું હોવાથી બીજા વર્ષથી ટેક્સની રકમ ભરવાની થતી નથી
એટલે પ્રોપર્ટી ધારકો પણ ચિંતામુક્ત થઈ જાય છે. પરંતુ AMCના ટાઉન પ્લાનીંગ અને ટેક્સ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ હોવાથી પ્રોપર્ટી ધારકને મુશ્કેલીઓ વેઠવી પડે છે. ખરેખર રજા ચિઠ્ઠી આપી દેવાયા બાદ પ્રોપર્ટી ધારકને ટેક્સ બીલ ભરવાનું આવતું નથી. આમ છતાં ટેક્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જેતે ઝોનમાંથી આડેધડ નોટીસ ફટકારે છે. વોટસઅપમાં મેસેજ કરીને પ્રોપર્ટી ધારકને બિનજરૂરી ચિંતામાં મુકે છે.
સિનિયર સિટીઝનો આવી નોટીસોથી ગભરાઈને AMC ટેક્સ વિભાગ અથવા ઝોનની ઓફિસે પહોચે છે
ટેક્સ વિભાગના અધિકારીઓ કહે છે કે, તમારે ટેક્સ ભરવાનો આવતો નથી. આ નોટીસને ધ્યાનમાં લેવાની જરૂર નથી. આ પ્રકારની ગંભીર ભૂલો અંગે ટેક્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદો પણ પહોંચી છે. આમ છતાં કોઈ ઉકેલ આવતો નથી.









