અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના હેલ્થ અને ફૂડ વિભાગ દ્વારા મે મહિનામાં શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે એક સઘન ફૂડ સેફ્ટી ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત માત્ર 18 દિવસના ટૂંકા ગાળામાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 865 ફૂડ યુનિટ્સ (ખાણી-પીણીના એકમો) પર ત્રાટકીને વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નિયમોનું ઉલ્લંઘન કરનારા અને અસ્વચ્છતા રાખનારા 522 એકમોને તંત્ર દ્વારા કડક નોટિસ ફટકારીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
22 ફૂડ સેમ્પલ ફેઈલ જાહેર, 15 સબસ્ટાન્ડર્ડ મળ્યા
આ કડક ચેકિંગ દરમિયાન લેવામાં આવેલા અલગ-અલગ ખાદ્ય પદાર્થોના નમૂનાઓમાંથી 22 ફૂડ સેમ્પલ લેબોરેટરી ટેસ્ટિંગમાં ફેઇલ જાહેર થયા છે. જેમાંથી 15 સેમ્પલ સબસ્ટાન્ડર્ડ એટલે કે હલકી ગુણવત્તાના હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું છે. આરોગ્ય માટે જોખમી એવા આ કેસો સામે આવતા જ એક્શન મોડમાં આવેલી એએમસી (AMC) ની ટીમે તાત્કાલિક ધોરણે 7 ખાદ્ય એકમોને સીલ મારી દીધા છે.
