અમદાવાદની લાઈફલાઈન ગણાતી AMTS (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ) ફરી એકવાર તેની કથળતી વ્યવસ્થાને કારણે ચર્ચામાં આવી છે. શહેરના નવા વાડજ વિસ્તારમાં ચાલુ મુસાફરીએ બસનો ગેસ ખતમ થઈ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે, જેમાં મુસાફરો બસને ધક્કા મારતા નજરે પડે છે.
વચગાળે બસ અટકી પડતા હાલાકી સર્જાઈ
નવા વાડજ વિસ્તારના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલી AMTS બસમાં અચાનક ગેસ ખૂટી ગયો હતો. વ્યસ્ત રસ્તાની વચ્ચે જ બસ ઉભી રહી જતા પાછળ આવતા વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બસમાં સવાર મુસાફરોને અધવચ્ચે ઉતરી જવાની ફરજ પડી હતી, પરંતુ રસ્તો ખુલ્લો કરવા માટે અંતે મુસાફરોએ જ હિંમત બતાવી હતી.
