અમદાવાદમાં તાજેતરમાં જ સ્પોર્ટ્સ ગવર્નન્સ કોન્કલેવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના સ્પોર્ટ્સ કલ્ચરમાં આવેલા ક્રાંતિકારી પરિવર્તન પર ભાર મૂકતા એક મહત્વનું નિવેદન આપ્યુ હતું. તેમણે ગૌરવ સાથે જણાવ્યું કે ગુજરાત હવે માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ્સની મેજબાની કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.


ટીકાઓનો જડબાતોડ જવાબ આપ્યો

એક સમયે ગુજરાતીઓને માત્ર 'ફાફડા-જલેબી' ખાનારી પ્રજા તરીકે ઓળખીને તેમની રમતગમત પ્રત્યેની રુચિ પર કટાક્ષ કરવામાં આવતો હતો. મંત્રીએ આ માનસિકતાને આડે હાથ લેતા કહ્યું કે, આજે ગુજરાતી યુવાનોએ મેદાનમાં પોતાની શક્તિ સાબિત કરી દીધી છે. ખેલ મહાકુંભ જેવા અભિયાનને કારણે રાજ્યમાં રમતગમતનું સ્તર નોંધપાત્ર રીતે સુધર્યું છે અને હવે આપણા ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલો જીતી રહ્યા છે.

વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું

ગુજરાતમાં રમતગમત માટે તૈયાર થયેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે વિશ્વના શ્રેષ્ઠ સંકુલ સાથે સ્પર્ધા કરી શકે તેવું છે. હર્ષ સંઘવીએ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, આ અત્યાધુનિક સંકુલ માત્ર 30 મહિનાના રેકોર્ડ સમયમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ પરિસર હવે દરેક ભારતીયનું ગૌરવ છે, જ્યાં અનેક આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ્સ સફળતાપૂર્વક યોજાઈ ચૂકી છે.

સરકારનું ભવિષ્યનું વિઝન

સરકારના મજબૂત મનોબળ અને ખેલાડીઓને મળી રહેલી શ્રેષ્ઠ સુવિધાઓને કારણે ગુજરાત આગામી સમયમાં રમતગમતનું હબ બનવા જઈ રહ્યું છે. ખેલ મહાકુંભ દ્વારા પાયાના સ્તરેથી પ્રતિભાઓને શોધીને તેમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે, જે ગુજરાતને વૈશ્વિક સ્પોર્ટ્સ મેપ પર અગ્રેસર બનાવશે.

 આ પણ વાંચોઃ Surat News: આરોગ્ય વિભાગનો સપાટો, લસકાણાનું ડુપ્લીકેટ કપાસિયા તેલ ટેસ્ટિંગમાં ફેઈલ


  • Follow us on: