FRC (ટેકનિકલ) દ્વારા ગુજરાતની ૫૨૨ ટેકનિકલ કોલેજોની વર્ષ ૨૦૨૬-૨૭થી ત્રણ વર્ષ માટેની વાર્ષિક ફી જાહેર કરવામાં આવી છે. આ કોલેજોની ફીમાં ૫ ટકાની મર્યાદામાં વધારો આપવામાં આવ્યો છે. મંજૂર થયેલા ફી માળખામાં ૧૧૧ જેટલી કોલેજોના યુજી-પીજી કોર્સમાં ૧ લાખથી વધુ ફી મંજૂર કરવામાં આવી છે.

અમદાવાદ સ્થિત અદાણી યુનિવર્સિટીને સૌથી વધુ રૂ.1.90 લાખ ફી મંજૂર કરાઈ છે

એ સિવાય રાજ્યની ૧૦૩ કોલેજોએ ૫ ટકાથી વધુનો ફી વધારો કરવા માટે કમિટી સમક્ષ દરખાસ્ત કરી છે, જેનું ફી માળખું આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. ગુજરાત રાજ્યની ફી નિયમન સમિતિ (ટેકનિકલ) દ્વારા સ્વનિર્ભર ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓ માટે વર્ષ ૨૦૨૬-૨૭થી ૨૦૨૮-૨૯ના ત્રિ-વાર્ષિક ગાળા માટે ફી જાહેર કરાઈ છે. જે સંસ્થાઓએ ચાલુ ફી માળખામાં પ% થી ઓછો વધારો માંગ્યો હતો, તેવી ૫૨૨ સંસ્થાઓની ફી ૧૭ માર્ચ, ૨૦૨૬ના રોજ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે.

705 સંસ્થાઓ પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી હતી

જેમાંથી ૫૬૯ સંસ્થાઓએ વર્ષ ૨૦૨૫-૨૬ના હયાત ફી માળખામાં મહત્તમ પ% સુધીનો જ વધારો સૂચવ્યો હતો. જ્યારે ૧૦૩ સંસ્થાઓ એવી છે જેમણે ૫% થી વધુ ફી વધારાની માંગણી કરી છે. નોંધનીય છે કે ૧૨ સંસ્થાઓએ પોતાના અભ્યાસક્રમો બંધ કરવા અંગેના દસ્તાવેજો રજૂ કર્યા છે, જ્યારે ૨૧ સંસ્થાઓએ હજુ સુધી કોઈ દરખાસ્ત મોકલી નથી. પ્રથમ તબક્કામાં જાહેર થયેલી પરર સંસ્થાઓની ફીમાં ૪૯ સંસ્થાઓએ કોઈ વધારો માંગ્યો નથી. એ સિવાય ૨૭ કોલેજોએ ૧ થી ૨ ટકા, ૬ કોલેજોએ ૨ થી ૩ ટકા, ૭ સંસ્થાઓએ ૩ થી ૪ ટકા અને ૪૩૩ કોલેજોએ ૪ થી ૫ ટકા સુધીનો વધારો માંગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 111 જેટલી સંસ્થાઓની ફી રૂ.1 લાખથી વધુ છે

સૌથી વધુ અદાણી યુનિવર્સિટીમાં B.E/B. Techમાં વર્ષ ૨૦૨૬-૨૭ની વાર્ષિક ફી રૂ. ૧,૯૦,૯૯૫ અને M.E/M.Techની વાર્ષિક ફી રૂ. ૧,૯૦,૭૩૨ મંજૂર કરાઈ છે. કોર્સ વાઈઝ જોવામાં આવે તો, B. Archમાં ૫ કોલેજ, B.E/B.Techમાં ૧૦, B.Pharmમાં ૧૧, M.E/M.Techમાં ૨૯, M.Pharmમાં ૪૩, MBAમાં ૧૦ અને MCA કોર્સમાં ૩ કોલેજોની વાર્ષિક ફી રૂ. ૧ લાખથી વધુ મંજૂર કરાઈ છે.


આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં આજથી બે દિવસ વરસાદની આગાહી, ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે અને ગરમીથી મળશે રાહત