શેરબજારમાં રોકાણના બહાને નિર્દોષ નાગરિકો સાથે લાખો-કરોડોની છેતરપિંડી આચરતી સાયબર ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે સુરતથી જયસુખભાઈ જીવાણી નામના આરોપીની ધરપકડ કરી છે. આ ઠગબાજે નકલી ટ્રેડિંગ એપ્લિકેશન અને સોશિયલ મીડિયા ગ્રુપ્સના માધ્યમથી રોકાણકારોને ઊંચા નફાની લાલચ આપી કુલ 55 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે.

“GOLD MEMBER GROUP-IEF” દ્વારા બિછાવી હતી જાળ

આરોપી જયસુખ જીવાણી અને તેની ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. તેઓ વોટ્સએપ પર “GOLD MEMBER GROUP-IEF” નામે ગ્રુપ બનાવી લોકોનો સંપર્ક કરતા હતા. રોકાણકારોનો વિશ્વાસ જીત્યા બાદ તેઓને એક નકલી ટ્રેડિંગ એપ ડાઉનલોડ કરાવતા હતા, જેમાં વર્ચ્યુઅલ રીતે મોટો નફો થતો દેખાતો હતો. આ નફાની લાલચમાં આવીને જ્યારે રોકાણકારો વધુ રકમ રોકવા તૈયાર થતા, ત્યારે આરોપીઓ અલગ-અલગ બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરાવી તેને હડપી લેતા હતા.

પોલીસે બેંક ખાતા સીઝ કર્યા, અન્ય સાગરીતોની શોધખોળ શરૂ

સાયબર ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ એનાલિસિસના આધારે સુરતથી જયસુખની ધરપકડ કરી છે અને તેની પાસેથી મળેલા પુરાવાના આધારે તપાસ તેજ કરી છે. પોલીસે આરોપીના તમામ શંકાસ્પદ બેંક ખાતાઓને તાત્કાલિક અસરથી સીઝ કરી દીધા છે. પોલીસ તપાસમાં એવી પણ શક્યતા સેવાઈ રહી છે કે આ ગેંગે અન્ય અનેક લોકોના નાણાં પણ હડપ્યા હોઈ શકે છે. હાલમાં આ સાયબર ગેંગના અન્ય સાગરીતોને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને અમદાવાદ સાયબર ક્રાઇમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો