યુનિવર્સિટીની ‘કોલેજિએટ વિમેન ડેવલપમેન્ટ કમિટી (CWDC)’ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વર્ષના મહિલા દિવસની થીમ ‘ગિવ ટુ ગેઈન’ (Give to Gain)ને ધ્યાનમાં રાખીને, સમાજમાં સ્ત્રીઓની સહનશક્તિ, પ્રેમ, ત્યાગ અને નેતૃત્વના ગુણોને બિરદાવવામાં આવ્યા હતા.
મહિલાઓનું સન્માન કરવું એ આખા સમાજનું સન્માન કરવા બરાબર છે
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કોલેજની યુવતીઓ અને મહિલા સ્ટાફને પ્રોત્સાહિત કરવાનો અને નારીત્વનું ગૌરવ વધારવાનો હતો. GLS યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. ચાંદની કાપડિયાએ અન્ય મહાનુભાવો સાથે આ પ્રસંગે હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનું આયોજન GLS યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ સુધીર નાણાવટીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.ડો. કાપડિયાએ જણાવ્યું હતું કે, "જ્યારે મહિલાઓને સમાન તકો મળે છે, ત્યારે તેઓ માત્ર ભાગ જ નથી લેતી, પરંતુ પ્રગતિની ગતિને વેગ આપે છે. મહિલાઓ એકબીજાને ટેકો આપીને સામ્રાજ્ય ઊભું કરે છે. તેઓ સમાજની ઘડવૈયા છે; તેમનું સન્માન કરવું એ આખા સમાજનું સન્માન કરવા બરાબર છે." તેમણે વધુમાં ઉમેર્યું કે મહિલાઓમાં જન્મજાત શક્તિ હોય છે, તેથી સમાજે તેમને નેતૃત્વ કરવાની તકો પૂરી પાડવી જોઈએ.










