ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન સહિત રાજ્યના ૨૮૨ જેટલા વકીલમંડળો (ભાર એસોસિએશન)ની પ્રતિષ્ઠાભરી ચૂંટણી આજે રાજ્યભરમાં એકસાથે એક જ દિવસે યોજાનાર છે. જેને લઈ વકીલોમાં ભારે ઉત્સાહ અને ઉત્તેજનાની લાગણી ફેલાઈ છે. સમગ વકીલઆલમમાં હાલ ઈલેક્શન ફીવર જોવા મળી રહ્યો છે.

2થી 3 દિવસમાં આવી જશે પરિણામ

વકીલ મંડળોની ચૂંટણીના આજના પ્રતિષ્ઠાભર્યા જંગમાં પ્રમુખ ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી સહિતના હોદ્દેદારો અને કોરોબારી સભ્યોના હોદા માટે ગળાકાપ સ્પર્ધા અને મરણિયા પ્રયાસો જોવા મળી રહ્યા છે. તેથી આવતીકાલની ૨૮૨ વકીલમંડળોની ચૂંટણી ભારે રસાકસીભરી અને ઉત્તેજનાભરી બની રહેશે. આવતીકાલની ચૂંટણીનું પરિણામ મોડી રાત સુધીમાં આવી જવાની શકયતા છે. જો કે, કારોબારી સભ્યોની ચૂંટણી માટે એક વકીલ મતદારે ૧૪-૧૪ મતો આપવાના હોવાથી તેની મતગણતરીમાં થોડી વાર લાગે છે, તેથી તેના અંતિમ પરિણામો આવતાં બે થી ત્રણ દિવસ લાગશે.

જોઇન્ટ સેક્રેટરીના પદ માટે પણ ઉમેદવારી નોંધાઈ છે ઘણા લોકોએ

ગુજરાત એડવોકેટ્સ એસોસીયેશનની આજની ચૂંટણી માટે પ્રમુખપદ માટે હાલના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી, એડવોકેટ બી. એમ.મંગુકિયા. એડવોકેટ વતીન ઓઝા, દર્શન શાહ અને ચિત્રજીત ઉપાધ્યાય વચ્ચે જંગ જામશે. તો, ઉપપ્રમુખના પદ માટે એડવોકેટ વિરાટ પોપટ, પૃથ્વીરાજસિંહ જાડેજા, પુનિત જુનેજા, અશોક પારેખ, અભિરાજ ત્રિવેદી અને નીરવ ત્રિવેદી વચ્ચે સ્પર્ધા રહેશે. જયારે ખજાનગીના મહિલા અનામત પદ માટે વ્યક્તિ જોશી, અમી પટેલ, જૈમીની પાઠક અને ખુશ્બુ વ્યાસ ઉમેદવાર તરીકે મેદાનમાં છે. જોઇન્ટ સેક્રેટરીના પદ માટે દર્શન દવે, ઓમ કોટવાલ, રેખા કાપડિયા સહિત દસ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે.

નીચલી કોર્ટના તમામ 282 વકીલ મંડળો ભાગ લેશે

દરમ્યાન ગુજરાત બાર કાઉન્સિલની ફાઈનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, આજની હાઈકોર્ટ સહિત નીચલી કોર્ટના તમામ ૨૮૨ વકીલમંડળોની ચૂંટણીમાં આશરે સવા લાખ જેટલા મતદારો ભાગ લેશે. ૨૪ કલાક પહેલાથી ચૂંટણી આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. જેથી કોઈ ઉમેદવાર પોતાનું પ્રચાર કાર્ડ, પત્રિકા,પોસ્ટર કે અન્ય માધ્યમોથી પ્રચાર ના કરી શકે. રાજયના વકીલમંડળોની ચૂંટણીમાં ગેરરીતિ સહિતની કોઈપણ પ્રકારની ફરિયાદ ઊભી થાય તો તેની સુનાવણી માટે ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા બાર એસોસીયેશન ઓફ ગુજરાત નિયમો- ૨૦૧૫ ની ફૂલ-૪૯ હેઠળ ઇલેકશન કમિટીની રચના કરાઈ છે.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રમાશે T-20 મેચ, શહેરના આ રસ્તાઓ રહેશે બંધ