વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લામાં LPG ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત અને પર્યાપ્ત છે, નાગરિકોને નિશ્ચિંત રહેવા કલેક્ટર સુજીતકુમાર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર સુજીતકુમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં LPG વિતરણ વ્યવસ્થાની સર્વગ્રાહી સમીક્ષા કરી છેવાડાના નાગરિક સુધી અવિરત સેવા પહોંચાડવા માઈક્રો-પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

ગેસ સિલિન્ડરની કાળાબજારી ચલાવી લેવામાં આવશે નહી

આ બેઠક દરમિયાન જિલ્લામાં ગેસ સિલિન્ડરના પુરવઠા, વિતરણ વ્યવસ્થા તથા ઉપલબ્ધતાની સ્થિતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ગેસ સિલિન્ડરની કાળાબજારી, સંગ્રહખોરી (હોલ્ડિંગ) અથવા ઘરેલુ ગેસનો વ્યાવસાયિક ઉપયોગ માટે ગેરકાયદેસર વપરાશ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. આવા ગેરકૃત્યોમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપી હતી.

ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ સિલિન્ડરની ઉપલબ્ધતાની સતત સમીક્ષા કરવામાં આવશે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય પુરવઠા વ્યવસ્થાની સાથે સાથે હોસ્પિટલ, શાળા, હોસ્ટેલ તથા અન્ય સામાજિક કલ્યાણ સંસ્થાઓ જેવી આવશ્યક સેવાઓ માટે ગેસ સિલિન્ડરની ઉપલબ્ધતા સતત જાળવવામાં આવશે અને આવા ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવશે. ગેસ પુરવઠાની અસરકારક દેખરેખ માટે જિલ્લા તંત્ર દ્વારા ડિજિટલ મોનિટરિંગ વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે. તેના ભાગરૂપે અધિકારીઓ અને સંબંધિત એજન્સીઓ વચ્ચે વોટ્સએપ ગ્રુપ મારફતે સંકલન તથા દૈનિક સ્ટોક રિપોર્ટિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ સિલિન્ડરની ઉપલબ્ધતાની સતત સમીક્ષા કરવામાં આવશે.

પોલીસ વિભાગના અધિકારીઓ તથા પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

બેઠક દરમિયાન પુરવઠા અને પોલીસ વિભાગના અધિકારીઓને ગેસ એજન્સીઓ તથા વિતરણ વ્યવસ્થાની નિયમિત ચકાસણી કરવા તેમજ ગેરરીતિઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ગેસ સિલિન્ડર અંગે કોઈપણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરે, અનાવશ્યક સંગ્રહખોરીથી દૂર રહે અને કોઈ ગેરરીતિ જણાય તો તાત્કાલિક સંબંધિત અધિકારીઓને જાણ કરે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને જરૂરી ગેસ પુરવઠો પુરો પાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ બેઠકમાં વિવિધ ઓઇલ અને ગેસ કંપનીઓના અધિકારીઓ, પુરવઠા વિભાગના અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ તથા પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : Botad News : સભા-સરઘસ-રેલી-ઉપવાસ વગર પરવાનગીએ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું