અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી ચર્ચાસ્પદ બનેલા મહેસાણાના મુસ્લિમ યુવક અને અસારવાની હિન્દુ યુવતીના લગ્નનો મામલો આખરે ગુજરાત હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ સુખદ અંત તરફ પહોંચ્યો છે. આજે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ખાસ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે બંનેના લગ્નની નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, ગઈકાલે જ્યારે આ યુગલ લગ્ન નોંધણી માટે પહોંચ્યું હતું ત્યારે વીએચપી (VHP) અને બજરંગ દળના કાર્યકર્તાઓએ કચેરી ખાતે પહોંચી ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ગઈકાલના હોબાળા બાદ આજે કાર્યવાહી
વિરોધને પગલે ગઈકાલે નોંધણી પ્રક્રિયા મોકૂફ રાખવી પડી હતી. જોકે, હાઈકોર્ટના કડક વલણ બાદ આજે જિલ્લા રજિસ્ટ્રાર એમ.એમ. સૈયદ સમક્ષ પોલીસના વિશેષ પહેરા વચ્ચે લગ્ન નોંધવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલો ત્યારે ચર્ચામાં આવ્યો, જ્યારે યુવતી ગુમ થઈ ગઈ હતી અને મુસ્લિમ યુવકે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે બંનેના લગ્નની નોંધણી કરાવવા માટે સ્પષ્ટ હુકમ કર્યો હતો.
હેબિયસ કોર્પસ અરજી બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો
કોર્ટના આદેશનું પાલન કરતા આજે લગ્ન નોંધણી સંપન્ન થઈ છે, જેનો રિપોર્ટ હવે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે આ નોંધણી કરવામાં આવી છે. સંભવિત ઘર્ષણને ટાળવા માટે રજીસ્ટ્રાર કચેરી ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો તહેનાત રાખવામાં આવ્યો હતો. લગ્ન નોંધણી બાદ યુગલને સુરક્ષિત સ્થળે રવાના કરવામાં આવ્યું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો