અમદાવાદ શહેરના પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી સરકારી વસાહતમાં આજે આગની એક ગંભીર ઘટના બની હતી. વસાહતના એક બ્લોકમાં 8મા માળે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં સૌથી વધુ ચિંતાજનક બાબત એ હતી કે, જ્યારે આગ લાગી ત્યારે 10 વર્ષની માસૂમ બાળકી 'વિશ્વા' ફ્લેટની અંદર ફસાઈ ગઈ હતી.


સરકારી વસાહતના 8મા માળે લાગી આગ

આગની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઉપરના માળેથી ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા અને બાળકી અંદર ફસાયેલી હોવાની માહિતી મળતા જ ફાયર જવાનોએ જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ધુમાડા અને ગભરાટભરી પરિસ્થિતિ વચ્ચે ફાયર જવાનો બહાદુરીપૂર્વક 8મા માળે પહોંચ્યા હતા અને નાની વિશ્વાને સુરક્ષિત રીતે બહાર કાઢી લાવ્યા હતા.

10 વર્ષની બાળકી વિશ્વા બિલ્ડીંગમાં ફસાઇ હતી

સમયસર પહોંચેલી ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવવાની સાથે બાળકીનો જીવ બચાવી લેતા મોટી જાનહાનિ ટળી હતી. બાળકી સહીસલામત બહાર આવતા પરિવારે અને સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. આસપાસના લોકોએ ફાયર વિભાગની આ ત્વરિત અને જોખમી કામગીરીની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે, જોકે ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: