ચેક બાઉન્સના કેસોના ભરાવાને લઈ તેના ઝડપી નિકાલ અને ત્વરિત ન્યાયની અનોખી પહેલના ભાગરૂપે આજથી ચેક રિટર્નની તમામ ૨૫ કોર્ટોમાં નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળના કેસોમાં ઓનલાઇન ચૂકવણીની નવતર સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે. સમગ્ર ગુજરાત રાજયમાં સૌપ્રથમ અમદાવાદની ચેક રિટર્નની કોર્ટોમાં આ નવી પધ્ધતિ લાગુ કરવામાં આવી છે.
અમદાવાદમાં ચેક રીર્ટનને લઈ 21 કોર્ટ છે
જેને લઈને હવે જે તે પક્ષકારો તેમના પેમેન્ટના વિવાદ કે તકરારમાં તાત્કાલિક કયુઆર કોડ સ્કેન કરી તરત જ પેમેન્ટ કરી શકશે, જેના કારણે કેસોનો સ્થળ પર જ ઝડપી નિકાલ શક્ય બનશે. ચીફ જયુડિશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, અમદાવાદ શહેરના તાબાની ચેક રિટર્નની તમામ કોર્ટોમાં આ નવતર સિસ્ટમ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ઈલેશ વોરાના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં અપનાબજાર બહુમાળી બિલ્ડીંગ ખાતે ચેક રિટર્નની કુલ ૨૧ કોર્ટો આવેલી છે, જેમાં ચાર ઓનલાઈન કોર્ટો છે.
વેળાસર કેસમાં સમાધાન અને તેના નિકાલની પ્રક્રિયા ઝડપી શક્ય બનશે
તે મળી કુલ ૨૫ કોર્ટોમાં હવે ઓનલાઈન ચૂકવણીની નવી સિસ્ટમ ભાગુ થતાં પક્ષકારોનો કિંમતી સમય તો બચશે જ પરંતુ પૈસાની ચૂકવણી તાત્કાલિક જ થઈ જવાથી કેસોનો તરત જ નિકાલ લાવી શકાશે. ચેક રિટર્નના પડતર લાખો કેસોના ઝડપી નિકાલમાં આ નવી સિસ્ટમથી ઘણી મદદ મળી રહેશે. ચેક રિટર્નના કેસોમાં ઓનલાઈન ચૂકવણીની નવી સુવિધાના વિકલ્પ અંગે વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં નિર્દેશ આપ્યા હતા, જેમાં તમામ જિલ્લા અદાલતોને સમન્સના તબક્કે જ આરોપીને ચેકની રકમ ઓનલાઈન ભરપાઈ કરવાનો વિકલ્પ આપવા પણ નિર્દેશ અપાયો હતો કે જેથી વેળાસર કેસમાં સમાધાન અને તેના નિકાલની પ્રક્રિયા ઝડપી શક્ય બને.
કાનૂની રજિસ્ટરો અને ખાતામાં તેની નોંધણી થાય છે
આ નવતર પહેલના ભાગરૂપે અમલી બનાવાયેલી સિસ્ટમમાં નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટના કેસોમાં કોઈપણ આરોપી કે પક્ષકાર એસબીઆઈ કલેકટ મારફતે નિર્ધારિત બેંક ખાતામાં સીધી ચેકની રકમ જમા કરાવી શકે છે. આ રકમ પ્રાપ્ત થતાંની સાથે જ કોર્ટ બેંકની પ્રણાલિ મારફને તરત જ લેવડદેવની ચકાસણી, ખરાઈ કરી કેસના સમાધાન અને તેના ત્વરિત નિકાલ અંગે યોગ્ય આદેશ પસાર કરી શકે છે. ઓનલાઈન ચૂકવણીની આ નવી સિસ્ટમ પારદર્શક, સુરક્ષિત અને ઓડિટ ક્ષમતાની ખાતરી સાથેની કહી શકાય. કારણ કે, તમામ લેવડદેવડ કોર્ટના બેંક ખાતા મારફતે જ થાય છે. કાનૂની રજિસ્ટરો અને ખાતામાં તેની નોંધણી થાય છે.
નાણાકીય સંસ્થાઓ અને કંપનીઓને આ સિસ્ટમનો બહુ મોટો લાભ મળશે
લાખો પક્ષકારો, હજારો નાણાકીય સંસ્થાઓ અને કંપનીઓને આ સિસ્ટમનો બહુ મોટો લાભ મળશે. કારણ કે, પેમેન્ટની ચૂકવણી સીધી કોર્ટમાં જમા થશે અને કાનૂની પ્રક્રિયાના વિલંબ વિના જ વર્ષોથી પડતર કેસો આટોપી શકાશે. ઓનલાઈન ચૂકવણીની આ પહેલ ટેકનોલોજી આધારિત ન્યાય વિતરણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું છે, જે ન્યાયિક પ્રક્રિયાને વધુ ઝડપી, કાર્યક્ષમ અને અસરકર્તા પલકારો અને લોકો માટે વધુ સુલભ અને સરળ બની રહેશે. ચીક જયુડિશયલ મેજિસ્ટ્રેટ એસ.જે.પંચાલ અને જયુડિશીપલ ઓફિસરો દ્વારા કોજદારી અને ચેક રિટર્નના કેસોના ઝડપી નિકાલ માટે છેલ્લા ઘણા સમવથી કાર્યરત છે.









