અમદાવાદ શહેર પોલીસ હવે માત્ર ગુનેગારો પર જ નહીં, પરંતુ પોતાની શારીરિક ક્ષમતા અને ફિટનેસ પર પણ પૂરતું ધ્યાન આપી રહી છે. 'મિશન ફિટ ખાખી' અભિયાન હેઠળ શાહીબાગ સ્થિત પોલીસ કમિશનર ઓફિસ ખાતે પોલીસ કર્મચારીઓ માટે તમામ આધુનિક સાધનોથી સજ્જ નવા જિમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગૃહ સચિવ અને પોલીસ કમિશનરના હસ્તે ઉદ્ઘાટન
શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસના પ્રથમ માળે તૈયાર કરાયેલા આ જિમનું ઉદ્ઘાટન રાજ્યના ગૃહ સચિવ નિપુણા તોરવણે અને શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સુવિધાનો હેતુ પોલીસ કર્મચારીઓને તણાવમુક્ત અને શારીરિક રીતે સજ્જ રાખવાનો છે.
'મિશન ફિટ ખાખી'ના દેખીતા પરિણામો
પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, પોલીસની ડ્યૂટીમાં આરોગ્ય સૌથી અગત્યનું છે. 'મિશન ફિટ ખાખી' અંતર્ગત ચાલી રહેલી પીટી અને ફિટનેસ પ્રવૃત્તિઓના સકારાત્મક પરિણામો મળી રહ્યા છે. ઘણા પોલીસકર્મીઓએ અત્યાર સુધીમાં 6 થી 7 કિલો જેટલું વજન ઘટાડવામાં સફળતા મેળવી છે. આગામી અઠવાડિયામાં આ પરિણામો વધુ પ્રોત્સાહક બનશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
'મેજિક જ્યુસ' અને હેલ્ધી ડાયટ પર ભાર
કમિશનરે માત્ર કસરત જ નહીં, પરંતુ યોગ્ય ખાનપાનનું મહત્વ પણ સમજાવ્યું હતું. તેમણે ગ્રીન વેજીટેબલ (લીલા શાકભાજી) માંથી બનાવવામાં આવતા ‘મેજિક જ્યુસ’ વિશે વાત કરતા કહ્યું કે, આ જ્યુસ પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યો છે. પોલીસ બેડામાં હવે ફિટનેસને લઈને એક નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો