અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલી સેન્ટેરિયન વિસ્ટા બિલ્ડિંગમાં યોજાયેલી દારૂની મહેફિલ મામલે પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે. સંદેશ ન્યૂઝની ટીમે જ્યારે ઘટનાસ્થળની મુલાકાત લીધી, ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. પોલીસની તપાસ પૂર્ણ થઈ હોવાના દાવા છતાં, બિલ્ડિંગના ધાબા પર હજુ પણ બિયરની ખાલી બોટલો, ખાલી પેટીઓ અને દારૂના બોક્સના ખડકલા જોવા મળ્યા હતા. આ પુરાવાઓ સ્પષ્ટ કરે છે કે અહીં મોટા પાયે નશાની મહેફિલ જામી હતી, જે સંદેશના કેમેરામાં કેદ થઈ ગઈ છે.


ખાખીની બેવડી નીતિ

આ કેસમાં પોલીસની બેવડી નીતિ પણ ખુલ્લી પડી છે. મહેફિલ પર દરોડા દરમિયાન પોલીસ માત્ર પુરુષો વિરુદ્ધ કાર્યવાહી કરતી જોવા મળી હતી. વાયરલ થયેલા વીડિયોમાં અનેક મહિલાઓ પણ આ પાર્ટીમાં હાજર હોવાનું સ્પષ્ટ દેખાય છે, તેમ છતાં પોલીસે એક પણ મહિલા વિરુદ્ધ ગુનો નોંધ્યો નથી કે તેમની અટકાયત કરી નથી. સામાન્ય રીતે નિયમ મુજબ સ્થળ પર હાજર તમામ વ્યક્તિઓની મેડિકલ તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની હોય છે, પરંતુ અહીં પોલીસે મહિલાઓને કયા આધારે છોડી મૂકી તે મોટો પ્રશ્ન છે.

પોલીસ તપાસના દાવા પોકળ?

સામાન્ય સંજોગોમાં પોલીસ મેડિકલ તપાસ બાદ જો કોઈએ દારૂ ન પીધો હોય તેને છોડતી હોય છે, પરંતુ આ કિસ્સામાં મહિલાઓને મેડિકલ પ્રોસેસ વિના જ જવા દેવાતા પોલીસની નિષ્પક્ષતા પર સવાલો ઉઠી રહ્યા છે. હાઈ-પ્રોફાઈલ નબીરાઓની આ પાર્ટીમાં પોલીસ કોઈ દબાણ હેઠળ કામ કરી રહી છે કે કેમ, તે ચર્ચાનો વિષય બન્યો છે. સ્થળ પર હજુ પણ પડી રહેલા પુરાવાઓ પોલીસની તપાસની ગુણવત્તા પર પણ સવાલિયા નિશાન ઉભા કરે છે.

આ પણ વાંચો : Porbanadar માં શિક્ષણ જગતની મોટી બેદરકારી, કોલેજની ભૂલને કારણે 42 MBA વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત

  • Follow us on: