ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર તેની વહીવટી ક્ષતિઓને કારણે વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના ઇમર્જિંગ સાયન્સ વિભાગમાં લેવાયેલી પરીક્ષામાં ગંભીર છબરડો સામે આવ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગઈકાલે સવારે 11:00 વાગ્યે M.Sc. એપ્લાઇડ મેથેમેટિક્સના વિદ્યાર્થીઓ માટે 'કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન અને આર્કિટેક્ચર' વિષયની પરીક્ષા યોજાઈ હતી. જોકે જ્યારે વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્ર જોયું ત્યારે તેઓ ચોંકી ગયા હતા.


પ્રશ્નપત્રમાં વિષયની બહારના સવાલો પૂછાયા

પ્રશ્નપત્રમાં પૂછાયેલા મોટાભાગના સવાલો નિર્ધારિત અભ્યાસક્રમ અથવા વિષયની બહારના હતા. પ્રિન્ટિંગમાં થયેલી આ મોટી ભૂલને કારણે પરીક્ષા ખંડમાં મૂંઝવણભરી સ્થિતિ સર્જાઈ હતી. વિદ્યાર્થીઓએ તાત્કાલિક આ ભૂલ અંગે સુપરવાઇઝર અને પરીક્ષા વિભાગનું ધ્યાન દોર્યું હતું. પોતાની ભૂલ સ્વીકારીને યુનિવર્સિટી તંત્ર દ્વારા તાબડતોબ નવું પેપર તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં ઘણો સમય વેડફાયો હતો અને અંતે 11:30 કલાક બાદ રિ-પ્રિન્ટ કરેલું નવું પેપર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું.

વિષયની બહારના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓ મુંઝાયા

પરીક્ષા લેવામાં નિષ્ફળ સાબિત થયેલી ગુજરાત યુનિવર્સિટીની આ પ્રકારની બેદરકારીથી વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર પડી છે. અડધો કલાક મોડું પેપર મળવાને કારણે અને શરૂઆતમાં ખોટું પેપર જોઈને વિદ્યાર્થીઓ ભારે તણાવમાં મુકાયા હતા. શિક્ષણવિદો અને વિદ્યાર્થી પાંખ દ્વારા યુનિવર્સિટીની આ પ્રકારની કાર્યપદ્ધતિ સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: