ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલા થોળ પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી હતી. રાજ્યપાલે થોળ અભયારણ્યના વિસ્તારમાં પક્ષી દર્શન કર્યું હતું અને વન વિભાગ અને સ્થાનિક પક્ષીવિદો પાસેથી અભયારણ્યમાં આવતા પક્ષીઓ વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી.
એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું
સ્થાનિક પક્ષીવિદ દ્વારા બારહેડેડ ગીઝ, ગ્રેલેગ ગીઝ, ડાલમેસીયન પેલીકન, કોમન ક્રેન, બ્રામણી ડક, રફ એન્ડ રીવ વગેરે જેવા યાયાવર પક્ષીઓ સાયબીરીયા, રશીયા, માંગોલીયા, કઝાકીસ્તાન, ચીન વિગેરે દેશોમાંથી આવે છે, તે અંગે રાજ્યપાલશ્રીને અવગત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્યપાલે સ્થાનિક અધિકારીઓ સાથે થોળ અભયારણ્યમાં નેચર વોક કર્યુ હતું. નેચર વોક દરમિયાન રાજ્યપાલે થોળ અભયારણ્યની મુલાકાતે આવેલ પ્રવાસીઓ સાથે સહજ સંવાદ કર્યો હતો અને નાયબ વન સંરક્ષક સાથે આગામી સમયમાં અભયારણ્યમાં યાયાવર પક્ષીઓના સંરક્ષણ માટેની પહેલ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલે થોળ અભયારણ્ય સંકુલ ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.













