અમદાવાદ શહેરમાં અર્થાત સરદાર પટેલ રિંગ રોડની અંદરના ભૂ-ભાગમાં 458 કિલોમીટર રસ્તાઓના નેટવર્કમાં 389 જેટલા સ્ટ્રેચિંગ (ટ્રાફિકને વધારતા અવરોધકો) છે. તેના કારણે જ સપ્તાહના પાંચ દિવસ સોમવારથી શુક્રવાર દરમિયાન 1.35 લાખ વાહન કલાકો રસ્તા ઉપર બરબાદ થઈ રહ્યા છે. તેવુ ગુગલ મેપની ટીમે અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યાના સમધાનો શોધવા કરેલા અભ્યાસમાં શોધી કાઢયું છે. આ શહેરમાં પહેલાથી જ રોડ એન્જિનિયરીંગ ક્ષેત્રે ખામીઓ રહી છે. જેના પરીણામે શહેરી નાગરિકોનો ટેક્સ, ટાઈમ અને ફ્યુચર બરબાદ થઈ રહ્યું છે. તરુણાવસ્થાને કારણે જીવનશૈલી પણ પરેશાન થઈ રહ્યાનું ચિત્ર ઉપસ્યું છે.

નિષ્ણાતોની ટીમ દ્વારા જૂન મહિનામાં ગુગલ મેપને આધારે અભ્યાસ થયો હતો. જેમાં કહેવાયું છે કે, અમદાવાદમાં ટ્રાફિક જામથી સપ્તાહના સામાન્ય દિવસો અર્થાત સોમવારથી શુક્રવારમાં અંદાજે 1,35,000 વાહન કલાકો વેડફાય છે. તેમાંથી અધિકાંશ સમય તો સાંજે 6 વાગ્યાથી રાતે 9 કલાકની વચ્ચે બગડે છે. આ સમયે શહેરી નાગરિકો ઓફિસ, બજાર અને કોલેજોમાંથી ઘર તરફ નિકળતા હોય છે. આવી જ સ્થિતિ સવારે 9થી બપોરના 12 કલાક દરમિયાન પણ રહેતી હોય છે. અમદાવાદ શહેરના આંતરીક રસ્તા ઉપર વાહન ચલાવવા માટે સરેરાશ 40- 50 કીલોમીટરની ગતિ મર્યાદા છે. પરંતુ, પીક-અવર્સ સિવાયના સમયમાં પણ માંડ માંડ 29 કીલોમીટર પ્રતિ કલાકે ગતિ મળે છે. તેમાંય 92 કીલોમીટરના રસ્તાઓનું નેટવર્ક તો એવું છે કે ત્યાં 20 કીલોમીટરની સ્પીડ મળે છે. 10 માર્ગો ઉપર તો માંડ 10થી 15 કિલોમીટરે વાહન ચાલવવું પડી રહ્યાની નોંધ પણ અભ્યાસ અહેવાલમાં કરવામાં આવી છે. વરસાદ પડે કે ન પડે 125 સ્ટ્રેચ ઉપર સતત ટ્રાફિક અવરોધાય છે. આડેઘડ પાર્કિંગ, દબાણો, વાહન ચાલક તરીકે નાગરિક કેળવણી, રસ્તાનું ખામીયુક્ત એન્જિનિયરિંગ, ફુટપાથ સહિત સમસ્યાઓ ઉપરાંત ટ્રાફિક પોલીસના અભાવે સમસ્યા વધી છે. જેના સોલ્યુશન માટે ગુગલ ટીમના ડેટાને આધારે સરકારમાં એક પાયલોટ પ્રોજેક્ટની વિચારણા ચાલી રહી છે.