કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દેશભરના 784 જિલ્લાઓ માટે જાહેર કરાયેલા પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ (PGI-D) અહેવાલમાં સમગ્ર દેશની સરખામણીએ ગુજરાતનું સ્થાન મધ્યમ સ્તરે અટકેલું જોવા મળ્યું છે. કુલ 600 ગુણના આંકડાકીય મૂલ્યાંકનમાં દેશના અગ્રણી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આગળ નીકળી ગયા છે, જ્યારે ગુજરાતનો એકપણ જિલ્લો 70%થી વધુ સ્કોર મેળવીને 'ઉત્કર્ષ' કે 'ઉત્તમ' જેવી શ્રોષ્ઠ કેટેગરીમાં આવેલા દેશના ટોપ-116ની યાદીમાં સ્થાન મેળવી શક્યો નથી. રાજ્યના 28 જિલ્લા માત્ર 51% થી 60% ગુણ ધરાવતા 'પ્રચેષ્ટા-1' ગ્રેડમાં રહ્યા છે, જ્યારે 5 જિલ્લા હજુ પણ 'પ્રચેષ્ટા-2' ગ્રેડમાં ધકેલાયેલા છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા UDISE+, પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ અને પ્રબંધ પોર્ટલના ડેટા આધારે તૈયાર કરાયેલા અહેવાલમાં 6 કેટેગરી અને 11 ડોમેનના 70 નિર્દેશકો પર તમામ જિલ્લાઓનું તુલનાત્મક પૃથ્થકરણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્તરે ચંદીગઢ, દિલ્હી, કેરળ અને પંજાબ જેવા રાજ્યો અને પ્રદેશો શૈક્ષણિક પરિણામો અને ડિજિટલ સુવિધાઓમાં નોંધપાત્ર આગળ છે, જ્યારે ગુજરાતના તમામ 33 જિલ્લાઓ ટોચના ગ્રેડથી વંચિત રહ્યા છે. આંકડા દર્શાવે છે કે રાજ્યના 28 જિલ્લાઓ 301 થી 360 ગુણ વચ્ચે મર્યાદિત રહીને 'પ્રચેષ્ટા-1' શ્રોણીમાં અટવાયા છે, જ્યારે કચ્છ, જામનગર, છોટાઉદેપુર, દરિયાઈ પટ્ટો અને દાહોદ જેવા 5 જિલ્લાઓ 241 થી 300 ગુણ સાથે 'પ્રચેષ્ટા-2' ગ્રેડમાં મુકાયા છે. આ રિપોર્ટના આધારે કહી શકાય કે છેલ્લા એક વર્ષમાં રાજ્યનું શૈક્ષણિક સ્તર વધવાના બદલે ઘટયું છે. કારણ કે, ગત વર્ષે પ્રથમ ક્રમે આવેલા નવસારી જિલ્લાને 600માંથી 345 ગુણ મળ્યા હતા, જે આ વખતે ઘટીને 339 જ ગુણ થયા છે. એ સિવાય પ્રથમ ક્રમે આવેલ મહિસાગરને 340 ગુણ મળ્યા છે. આમ પ્રથમ ક્રમના માર્કિંગમાં પણ ઘટાડો થયો છે.
