અમદાવાદ મેડિકલ એસોસિએશન અને અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન દ્વારા આશ્રામ રોડ ખાતે AMA ના હોલમાં રવિવારે ' કેન્સર યોદ્ધા ' ઓને સન્માનિત કરવા માટેનો ' ધ ગોલ્ડન વોઇસ ' કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આઠ કેન્સર વૉરિયર્સોએ ગીતો ગાઇ, શંખનાદ વગાડી, મોટીવેશન સ્પીચ આપી દઢ મનોબળથી કેન્સરને હરાવી શકાય છે તેવો સમાજને સંદેશ આપ્યો હતો.
અમદાવાદ કેન્સર ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડૉ. કૌસ્તુભ પટેલના જણાવ્યા મુજબ કેન્સરને હરાવી શકાય છે. વિશ્વમાં થતા મોઢા અને ગળાના કેન્સરમાંથી 33 % કેન્સર ભારતમાં થાય છે. ગુજરાતમાં સૌથી વધુ 10 % કેસ નોંધાય છે. અમારી સંસ્થામાં દર વર્ષે 12,000 જેટલા કેન્સરના દર્દીઓ આવે છે. દર મહિને 300 ઓપરેશન કરાય છે. ગુજરાતમાં સાડા ત્રણ લાખ જેટલા કેન્સરના કેસ આવે છે. જેમાંથી એક લાખના મોત થાય છે. વાંકાચુકા દાંતા, ડાહપણની દાઢ નડતી હોય તે ડૉક્ટરને બતાવી તેનો દુખાવો દુર કરવો જોઇએ. મોઢામાં ચાંદી પડયા કરે તો કેન્સરની શક્યતા રહેલી છે. આ કાર્યક્રમમાં પ્રમુખ ડૉ.જીગ્નેશ શાહ , ભાઇ-ભાઇ ગીતના કલાકાર અરવિંદ વેગડા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.










