શહેરમાં સ્મશાનગૃહોની જાળવણી બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે.


ઓઢવ અને બાપુનગરના સ્મશાન બાદ હવે શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક અને અતિ મહત્વના એવા દૂધેશ્વર સ્મશાનગૃહમાં પણ સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. અહીં અંતિમ સંસ્કાર માટે આવતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અગ્નિદાહ આપવામાં મુશ્કેલી પડી રહી છે, જેમાં દૂધેશ્વર સ્મશાનગૃહમાં લાકડાં પર અંતિમ સંસ્કાર કરવા માટેની લોખંડની ભઠ્ઠીઓ હાલ અત્યંત બિસ્માર અને તૂટેલી હાલતમાં છે. ભઠ્ઠીના સળિયા અને એન્ગલો સડી ગયા હોવાથી મૃતદેહને યોગ્ય રીતે રાખવામાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, શબ મૂકવા માટે પણ કોઈ ચોક્કસ કે સુરક્ષિત વ્યવસ્થા રહી નથી, જેના કારણે શોકમગ્ન પરિવારોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.

પૂર્વ અને મધ્ય વિસ્તારના લોકો મોટાભાગે આ સ્મશાનનો ઉપયોગ કરે છે. આ સ્મશાનમાં લાકડાં પર અગ્નિદાહ આપતી વખતે ભઠ્ઠી તૂટેલી હોવાથી જોખમ રહે છે. તેમજ શબને સન્માનપૂર્વક મૂકવા માટેના પ્લેટફેર્મ પણ જર્જરિત થયા છે. આ ઉપરાત પ્રાથમિક સુવિધાનો અભાવ રહેલો છે જેમાં પીવાના પાણી, બેસવાની વ્યવસ્થા અને સફઈ બાબતે સ્મશાનમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે.

સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા વર્ષોથી રિનોવેશન માટે માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર આશ્વાસન જ મળી રહ્યું છે.અંતિમ સમયે પણ માણસને શાંતિ અને સન્માન ન મળે તે દુઃખદ છે. તંત્ર માત્ર કાગળ પર જ સ્માર્ટ સિટીની વાતો કરે છે, વાસ્તવિકતામાં સ્મશાન જેવી પવિત્ર જગ્યાની પણ જાળવણી થતી નથી. શું મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તેવો પ્રશ્ન હવે જનતા પૂછી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: